નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની વિન્ડસન કંપનીમાં સુરક્ષાના અભાવે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. સેફ્ટી સાધનો વગર ટેન્કરમાં વેલ્ડિંગ કામ કરતી વખતે અચાનક આગ ફાટી નીકળતા કામદાર રાજેશ પટેલનું ગંભીર રીતે દાઝી જવાથી મોત નીપજ્યું છે. આ
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની વિન્ડસન કંપનીમાં આજે સુરક્ષાના ધજાગરા ઉડતી એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. કંપનીમાં કોઈપણ જાતના સેફ્ટી સાધનો વગર ટેન્કરમાં વેલ્ડિંગ કામ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન અચાનક ટેન્કરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં વેલ્ડિંગ કરી રહેલા એક નિર્દોષ કામદારનું ગંભીર રીતે દાઝી જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.

મૃતક કામદારની ઓળખ રાજેશ પટેલ તરીકે થઈ છે. દુર્ઘટના બાદ ઈજાગ્રસ્ત કામદારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. છેલ્લા દોઢ કલાકથી હોસ્પિટલમાં મૃતદેહ સ્વીકારવા અને ન્યાય માટે રાહ જોઈ રહેલા રાજેશ પટેલના પરિજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે કંપનીના માલિક અને મેનેજમેન્ટની બેદરકારીને કારણે જ આ મોત થયું છે.
ઘટનાની ગંભીરતા જોતા જ વિન્ડસન કંપનીના ફેક્ટરી મેનેજર અને સેફ્ટી અધિકારી પોતાના હોદ્દાની જવાબદારી છોડીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. બીજી તરફ, ચીખલી પોલીસનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ અને કંપની ખાતે પહોંચી ગયો છે. મૃતકના પરિજનોએ કંપનીના માલિક, મેનેજર અને સેફ્ટી ઓફિસર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કંપનીમાં સુરક્ષાના કયા કયા નિયમોનું ઉલ્લંઘન થયું છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


