ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં વરસાદની વચ્ચે હેવાનિયતની એક હચમચાવી મૂકતી ઘટના સામે આવી છે. આ ઘટના આશિયાના પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર-એમમાં મંગળવારે સાંજે એક નિર્માણાધીન બિલ્ડિંગમાં બની હતી. અહીં વરસાદથી બચવા માટે રોકાયેલી એક કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું. તે નજીકના ઘરમાં બેબીસીટર તરીકે કામ કરતી હતી અને રાબેતા મુજબ કામ પર જઈ રહી હતી.
રસ્તામાં ભારે વરસાદ શરૂ થતાં કિશોરી આશરો લેવા માટે નિર્માણાધીન બિલ્ડિંગમાં ઊભી રહી. એવો આરોપ છે કે બિલ્ડિંગમાં કામ કરતા એક મજૂરે તેને અંદર ખેંચી લીધી હતી જ્યારે બાકીના લોકો ચોકી કરતા હતા. જ્યારે પીડિતાએ વિરોધ કર્યો, તો આરોપીઓએ તેના હાથ-પગ બાંધી દીધા, તેની સાથે મારપીટ કરી અને તેના મોંઢામાં કપડું ઠૂંસી દીધું અને તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું.

જે મહિલાના ઘરે કિશોરી કામ કરતી હતી તે મહિલાએ કિશોરી સમયસર કામ પર ન પહોંચતા શોધખોળ શરૂ કરી. સ્થાનિક રહેવાસીઓને શંકા ગઈ અને તેમણે નિર્માણાધીન બિલ્ડિંગમાં શોધખોળ કરી, જ્યાં કિશોરી ત્રીજા માળે વ્યથિત હાલતમાં મળી આવી.
આ ઘટના બાદ સ્થાનિક લોકોએ બિલ્ડિંગની છતની ટાંકી પાસે છુપાયેલા મજૂરોને પકડી લીધા અને તેમને માર માર્યો. માહિતી મળતાં જ આશિયાના પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પીડિતાને તાત્કાલિક લોકબંધુ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેનું મેડિકલ કરાવવામાં આવ્યું.
પોલીસે ઘટનાસ્થળેથી પાંચ મજૂરોની અટકાયત કરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ તમામ આરોપીઓ સીતાપુરના રહેવાસી છે. હાલમાં પોલીસે દુષ્કર્મની કલમો હેઠળ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. ડીસીપી સેન્ટ્રલના જણાવ્યા પ્રમાણે ઘટનામાં દુષ્કર્મની પુષ્ટિ થઈ છે. આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ પીડિતાનું નિવેદન નોંધી રહી છે અને સમગ્ર ઘટનાક્રમના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.


