HomeGujaratGandhinagarGandhinagar : ગિફ્ટ સિટી ફંડ ઇકોસિસ્ટમમાં કેપિટલ કમિટમેન્ટ્સ 60 ગણા વધીને...

Gandhinagar : ગિફ્ટ સિટી ફંડ ઇકોસિસ્ટમમાં કેપિટલ કમિટમેન્ટ્સ 60 ગણા વધીને 32 અબજ ડોલરે પહોંચ્યા

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગિફ્ટ સિટીની ફંડ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમ ઝડપી ગતિએ વિસ્તરી છે. માર્ચ 2020માં 0.5 અબજ કરતા ઓછા રહેલા કેપિટલ કમિટમેન્ટ્સ (મૂડી પ્રતિબદ્ધતાઓ) ડિસેમ્બર 2025 સુધીમાં વધીને 32.13 અબજ ડોલર સુધી પહોંચ્યા છે

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગિફ્ટ સિટીની ફંડ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમ ઝડપી ગતિએ વિસ્તરી છે. માર્ચ 2020માં 0.5 અબજ કરતા ઓછા રહેલા કેપિટલ કમિટમેન્ટ્સ (મૂડી પ્રતિબદ્ધતાઓ) ડિસેમ્બર 2025 સુધીમાં વધીને 32.13 અબજ ડોલર સુધી પહોંચ્યા છે, જે અંદાજે 60 ગણો વધારો દર્શાવે છે. આ વૃદ્ધિ ગિફ્ટ સિટીની ભારત કેન્દ્રિત તેમજ વૈશ્વિક રોકાણ વ્યૂહરચનાઓ બંને માટેના પ્લેટફોર્મ તરીકે ઝડપથી વધી રહેલી સ્વીકૃતિ દર્શાવે છે.

આ વિસ્તરણ ભાગીદારોની સંખ્યામાં પણ સ્પષ્ટ જોવા મળે છે. ગિફ્ટ સિટીમાં કાર્યરત ફંડ મેનેજમેન્ટ એન્ટિટીઝ (એફએમઈ)ની સંખ્યા માર્ચ 2020માં 8 હતી જે વધીને હાલમાં 202 થઈ છે, જે 25 ગણો વધારો દર્શાવે છે. આ સાથે, ફંડ સ્કીમોની સંખ્યા 10 કરતાં ઓછી હતી તે વધીને 313 થઈ છે, જે પ્રોડક્ટ ઓફરિંગ અને રોકાણ વ્યૂહરચનાઓમાં ઝડપી વધારો દર્શાવે છે.ગિફ્ટ સિટી આધારિત ફંડ્સે કુલ 17.34 અબજ ડોલરની મૂડી એકત્ર કરી છે, જેમાંથી અંદાજે 17 અબજ ડોલરનું પહેલેથી જ રોકાણ થઈ ચૂક્યું છે. આથી સ્પષ્ટ થાય છે કે આ ઇકોસિસ્ટમ માત્ર કમિટમેન્ટ્સ આકર્ષવામાં જ નહીં, પરંતુ મોટા પાયે વાસ્તવિક રોકાણ પ્રવૃત્તિઓને પણ સક્ષમ બનાવે છે.

આ આંકડા ભારત કેન્દ્રિત મજબૂત વલણ પણ દર્શાવે છે. ગિફ્ટ સિટી દ્વારા રોકવામાં આવેલી મૂડીમાંથી આશરે 85 ટકાનું ભારતમાં રોકાણ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીની 15 ટકા મૂડી વૈશ્વિક રોકાણ માટે ફાળવાઈ છે. આ વલણ ગિફ્ટ સિટીનું વૈશ્વિક મૂડીને ભારતમાં ખેંચી લાવવા માટેના ગેટવે તરીકેનું સ્થાન મજબૂત બનાવે છે અને સાથે સાથે એક જ અધિકારક્ષેત્રમાંથી રોકાણકારોને આંતરરાષ્ટ્રીય તકોમાં પ્રવેશ પણ સુલભ બનાવે છે. પ્રાઇવેટ ઇક્વિટી, વેન્ચર કેપિટલ અને પબ્લિક માર્કેટ સ્ટ્રેટેજીસ સહિત વિવિધ એસેટ ક્લાસમાં સ્થાનિક તેમજ વૈશ્વિક ફંડ મેનેજરોની વધતી ભાગીદારીથી આ ઇકોસિસ્ટમના વિકાસને ગતિ મળી છે. સ્કીમોની વધતી સંખ્યા અને કેપિટલ કમિટમેન્ટ્સ ગિફ્ટ સિટીમાંથી કાર્યરત ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મમાં વધી રહેલા રોકાણકારોના વિશ્વાસ અને વૈવિધ્યીકરણને દર્શાવે છે.

આ અંગે આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ એ. બાલાસુબ્રમણ્યને જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટીનું સશક્ત ફંડ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમ તરીકે વિકસવું ભારતની ફાઇનાન્શિયલ સર્વિસીસ ક્ષેત્રની યાત્રામાં મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે. એબીએસએલએએમસી માટે ગિફ્ટ આઈએફએસસીએ વિવિધતા ધરાવતા ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ લોન્ચ કરવા, વૈશ્વિક અને એનઆરઆઇ રોકાણકારોને વધુ અસરકારક રીતે સેવાઓ આપવા અને સ્થાનિક રોકાણકારોનો વિદેશી તકોમાં પ્રવેશ સુલભ બનાવવા માટે મજબૂત ગેટવે પૂરો પાડ્યો છે. અમે ઓફશોર એસેટ્સ અંડર મેનેજમેન્ટમાં સ્કેલ વધારવા અને વૈશ્વિક રોકાણ ક્ષમતાઓ વિસ્તૃત કરવા પ્રતિબદ્ધ છીએ.”

આ ઉપરાંત, કાર્નેલિયન એસેટ મેનેજમેન્ટ એન્ડ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને સીઆઈઓ વિકાસ ખેમાણીએ જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટી આધારિત અમારું ઓફશોર ઇનબાઉન્ડ ફંડ સરળતાથી કામ કરી રહ્યું છે. અમે ગિફ્ટ સિટીને માત્ર ભારત માટેના ગેટવે તરીકે નહીં, પરંતુ પહેલેથી જ સ્થાપિત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર તરીકે જોઇએ છીએ, જ્યાં વૈશ્વિક અને સ્થાનિક બંને પ્રકારની કંપનીઓની ભાગીદારી સતત વધી રહી છે. ઝડપથી વિકસતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રગતિશીલ નિયમનાત્મક માહોલ સાથે ગિફ્ટ સિટી અગ્રણી ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ તરીકે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી રહી છે. ભાગીદારો, મૂડી અને મૂડીરોકાણમાં સતત વૃદ્ધિ સાથે ગિફ્ટ સિટી વૈશ્વિક રીતે જોડાયેલા ફંડ મેનેજમેન્ટ હબ તરીકે ઉભરી રહી છે, જે ઇનબાઉન્ડ તેમજ આઉટબાઉન્ડ બંને પ્રકારના રોકાણ પ્રવાહોને ટેકો આપે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments