ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આજે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં સેન્ટ મેરી સ્કૂલના માસૂમ બાળકોનો આબાદ બચાવ થયો છે. દૌરાલા લવાડ રોડ પર ૪૮ બાળકોથી ભરેલી સ્કૂલ બસ અચાનક કાબુ ગુમાવી બેસતા રસ્તાની બાજુના ઊંડા ખાડામાં પલટી ગઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે જો બસ એક મોટા ઝાડ સાથે ન અથડાઈ હોત, તો કદાચ કોઈ મોટી જાનહાનિ થઈ શકી હોત.
સેન્ટ મેરી સ્કૂલ, ખેડીની આ બસ રોજની જેમ બાળકોને લઈને સ્કૂલે જઈ રહી હતી. અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રસ્તા નીચે ઉતરી ગઈ અને પલટી ખાઈ ગઈ. બસ પલટી જતાં જ અંદર સવાર બાળકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને આખો વિસ્તાર બાળકોની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. બસ પલટી ખાઈને સીધી એક ઘટાદાર ઝાડ સાથે અથડાઈને અટકી ગઈ હતી, જેના કારણે તે વધુ ગબડતા કે સંપૂર્ણપણે ચગદાઈ જતા બચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો અને રસ્તે પસાર થતા લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા. લોકોએ બસના કાચ તોડીને અને ઈમરજન્સી એક્ઝિટ દ્વારા બાળકોને એકપછી એક બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોની ત્વરિત કામગીરીને કારણે બાળકોને સમયસર સુરક્ષિત બહાર કાઢી શકાયા હતા.
આ અકસ્માતમાં ઘણા બાળકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી તમામ ઈજાગ્રસ્ત બાળકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. સદનસીબે, કોઈ બાળક ગંભીર રીતે ઘાયલ થયું નથી. અકસ્માતની જાણ થતા જ બાળકોના વાલીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જે બાળકોને સામાન્ય ઈજા હતી, તેમને પ્રાથમિક સારવાર આપી ઘરે મોકલી દેવાયા હતા.
પોલીસે આ મામલે ડ્રાઈવરની બેદરકારી છે કે વાહનમાં કોઈ ટેકનિકલ ખામી હતી, તે દિશામાં તપાસ હાથ ધરી છે. બસને ક્રેઈન દ્વારા ખાડામાંથી બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી. આ ઘટનાએ ફરી એકવાર સ્કૂલ બસોની સુરક્ષા અને ડ્રાઈવરોની સતર્કતા સામે પ્રશ્નો ઉભા કર્યા છે.


