HomeSportsSports : ચેન્નાઈ સુપર કિંગ્સ અને ધોનીના ચાહકોને મોટો ઝટકો, આગામી બે...

Sports : ચેન્નાઈ સુપર કિંગ્સ અને ધોનીના ચાહકોને મોટો ઝટકો, આગામી બે મેચમાં માહી મેદાનમાં નહીં ઉતરે

IPL 2026ની શરૂઆતમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની મુશ્કેલીઓ વધી ગઈ છે. ટીમને સતત 3 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે અને અત્યાર સુધી એક પણ જીત મળી નથી. બીજી તરફ ટીમના આઈકોન અને પૂર્વ કેપ્ટન એમએસ ધોની પિંડલી (Calf)ની ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. ટૂર્નામેન્ટની શરૂઆતમાં ફ્રેન્ચાઇઝીએ જણાવ્યું હતું કે ધોની રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે અને પ્રથમ બે અઠવાડિયા સુધી મેદાન પર ઉતરી શકશે નહીં. આ મુજબ એમએસ ધોની ઓછામાં ઓછી 3 મેચ રમી શકશે નહીં. પરંતુ હવે ચોથી મેચ પહેલા માહીની વાપસી પર વધુ એક અપડેટ સામે આવ્યું છે.

મહેન્દ્ર સિંહ ધોનીની ફિટનેસને લઈને ચિંતા યથાવત છે. ક્રિકબઝ રિપોર્ટ મુજબ ધોની હજુ પણ ઈજામાંથી બહાર આવવા માટે રિહેબિલિટેશન પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે અને હજુ તે મેચ ફિટ નથી. સિઝનની શરૂઆતની ત્રણ મેચોમાં તેણે ટીમ સાથે મુસાફરી કરી ન હતી, જ્યારે ઘરેલુ મેચમાં પણ તે મેદાન પર ઉતર્યો ન હતો. 44 વર્ષીય ધોની હાલમાં ચેન્નાઈમાં તેના પરિવાર સાથે છે અને ટીમના ફિઝિયો અને મસાજરની દેખરેખ હેઠળ રિકવરી કરી રહ્યો છે. થોડા દિવસો પહેલા તેણે નેટ્સ પર બેટિંગ સેશન પણ કર્યું હતું, પરંતુ ફૂલ ફિટનેસ મેળવવામાં હજુ સમય લાગશે.

રિપોર્ટ મુજબ, ધોનીને મેચ રમવા લાયક ફિટ થવામાં ઓછામાં ઓછું એક અઠવાડિયું હજુ વધુ લાગી શકે છે. આવી સ્થિતિમાં 11 એપ્રિલ 2026ના રોજ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક)માં દિલ્હી કેપિટલ્સ સામેની હોમ મેચમાં માહી રમશે તેવી શક્યતા ઘણી ઓછી છે. ત્યારબાદ 14 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં પણ તેના મેદાનમાં ઉતરવાની આશાઓ નબળી જ છે.

ધોનીની ગેરહાજરીમાં CSKની શરૂઆત નિરાશાજનક રહી છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમે હજુ સુધી કોઈ મેચ જીતી નથી, જે સિઝનની બીજી સૌથી લાંબી શરૂઆતી હારની શ્રેણી છે. ટીમને ધોનીના અનુભવ અને ફિનિશિંગ સ્કિલ્સની ઘણી જરૂર અનુભવાઈ રહી છે. આ સિવાય યુવા ખેલાડી ડેવાલ્ડ બ્રેવિસ પણ સાઇડ સ્ટ્રેન ઈજાને કારણે પ્રથમ ત્રણ મેચમાંથી બહાર રહ્યો છે, જો કે તેની રિકવરી સારી ચાલી રહી છે અને આગામી મેચમાં રમશે તો ટીમના દેખાવમાં મોટો ફર્ક પડી શકે તેમ છે.

મહેન્દ્ર સિંહ ધોની અને CSK એકબીજાના પર્યાય બની ગયા છે. તે વર્ષ 2016 અને 2017 સિવાય દરેક સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમ્યા છે. વર્ષ 2016 અને 2017માં તેમણે રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કર્યું હતું. પૂર્વ ભારતીય કેપ્ટને IPLમાં અત્યાર સુધીમાં 278 મેચ રમી છે અને 5,439 રન બનાવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments