રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા હજારો શિક્ષકો માટે ચાલુ માસ આર્થિક સંકટ લઈને આવ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં શિક્ષકોનો ચાલુ માસનો પગાર હજુ સુધી થયો નથી, જેને પગલે શિક્ષકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. ગ્રાન્ટના અભાવે પગાર અટકી પડતા હવે આ મામલો રાજ્ય સરકારના દ્વારે પહોંચ્યો છે.
પગાર ન થવાને કારણે શિક્ષકોના ઘરના બજેટ ખોરવાયા છે, અને લોનના હપ્તા તેમજ અન્ય ખર્ચાઓ ચૂકવવામાં મુશ્કેલી પડી રહી છે. આ ગંભીર સ્થિતિને ધ્યાને લઈને ‘પ્રાથમિક શૈક્ષિક સંઘ’ દ્વારા રાજ્ય સરકારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. સંઘે માગ કરી છે કે, તાત્કાલિક ધોરણે પગાર માટેની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે જેથી શિક્ષકોના ખાતામાં જમા થઈ શકે.

વારંવાર ઉભા થતા આ પ્રશ્નના કાયમી ઉકેલ માટે પણ સંઘે સરકાર સામે પ્રસ્તાવ મૂક્યો છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ભવિષ્યમાં આવી સ્થિતિ ફરીથી પેદા ન થાય તે માટે સરકારે દર મહિને એડવાન્સમાં ગ્રાન્ટ ફાળવવી જોઈએ. જો સમયસર ગ્રાન્ટ મળે તો વહીવટી પ્રક્રિયાને કારણે થતો વિલંબ ટાળી શકાય છે. અત્યારે તો હજારો શિક્ષકો આશા ભરી નજરે સરકાર તરફ જોઈ રહ્યા છે કે, ક્યારે તેમના મહેનતાણાની રકમ તેમના ખાતામાં જમા થાય છે. જો આગામી દિવસોમાં ગ્રાન્ટ રિલીઝ નહીં થાય તો શૈક્ષિક સંઘ દ્વારા આંદોલનાત્મક પગલાં લેવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.


