વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની વડોદરા પાલિકાની ચૂંટણી અંગે આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી રાજકીય માહોલ ગરમાયો હતો. ગઈ કાલે સાંજે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસે મોડી રાત્રે પોતાની યાદી જાહેર કરતા બંને પક્ષના ઉમેદવારોમાં આજે સવારથી અનેરો ઉત્સાહ સહિત તણાવભર્યો માહોલ જોવા મળ્યો હતો. આજે છેલ્લા દિવસે ઉમેદવારી પત્ર ભરવા માટે શહેરની વિવિધ સરકારી કચેરીએ ભારે પડાપડી જોવા મળી હતી. આ ઉપરાંત જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઉમેદવારો તેમજ તેમના સમર્થકો સવારથી જ દોડધામ કરતા જોવા મળ્યા હતા.
ઉમેદવારી ફોર્મ ભરવા માટે જરૂરી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ, એફિડેવિટ, મિલ્કતની વિગતો તેમજ અન્ય દસ્તાવેજોને પૂર્ણ કરવા ઉમેદવારો છેલ્લી ઘડી સુધી પ્રયત્નશીલ રહ્યા હતા. ઘણા ઉમેદવારોને દસ્તાવેજોની નાની-મોટી ખામીઓ દૂર કરવા માટે ફરી ફરીને કચેરીઓમાં જવું પડ્યું હતું, જેના કારણે ઉમેદવારો અને તેમના કાર્યકરોમાં સતત ઉચાટ અને તનાવનો માહોલ જોવા મળ્યો હતો.

ભાજપના લગભગ તમામ ઉમેદવારો અને કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારો રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા જે તે વિસ્તારની કચેરીએ ઢોલ નગારા સહિત રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. પક્ષના ઝંડા, બેનરો અને નારા સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમેદવારો સાથે કચેરી સુધી પહોંચતા શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને ઉમેદવારી સ્વીકારતી કચેરીઓની આસપાસના માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી જતા સામાન્ય વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે વધારાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
બીજી તરફ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આચાર સંહિતાના પાલન અંગે ચૂંટણી પંચ પણ સતર્ક જોવા મળ્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરવા આવતી રેલીઓમાં કોઈ પ્રકારનો ભંગ ન થાય તેની ખાતરી કરવા માટે ચૂંટણી અધિકારીઓ દ્વારા સતત બાજ નજર રાખવામાં આવી રહી હતી. ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારોને પણ નિયમોનું પાલન કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.આજે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હોવાથી દિવસભર રાજકીય ગરમાવો રહ્યો હતો. હવે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રચાર માટેની હરીફાઈ વધુ તેજ બનશે અને કાલથી શહેરમાં રાજકીય ચહલપહલ આગામી દિવસોમાં વધુ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.


