HomeIndiaNational : લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર...

National : લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો

કર્ણાટક હાઈકોર્ટે બેદરકારીપૂર્વક લક્ઝરી કાર ચલાવનારા એક શખ્સને અનોખી અને કડક સજા ફટકારી છે. સોશિયલ મીડિયા પર પોતાની ગ્રીન કલરની લેમ્બોર્ગિની કારને અત્યંત બેદરકારીથી ચલાવવાનો વીડિયો વાયરલ થયા બાદ, કોર્ટે આરોપી વિરુદ્ધનો ફોજદારી કેસ રદ કરવાના બદલામાં તેને રસ્તા પર સફાઈ કરવાની શરત મૂકી છે.

આ કેસની વિગત મુજબ, ડિસેમ્બર 2025માં લેમ્બોર્ગિનીના માલિક ચિરંથ બી.આર.નો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે મોડિફાઈડ સાયલેન્સર સાથે પૂરપાટ ઝડપે અને બેદરકારીથી ગાડી ચલાવતો જોવા મળ્યો હતો. કૈંગેરી પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો. જોકે, આરોપીએ આ ભૂલ બદલ દંડ ભરી દીધો હતો અને દાવો કર્યો હતો કે, તેણે સાયલેન્સર પણ બદલાવી નાખ્યું છે, તેથી કેસ રદ થવો જોઈએ.

જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની બેંચમાં જ્યારે આ કેસની સુનાવણી થઈ, ત્યારે આરોપીના વકીલે દલીલ કરી હતી કે, તેને કારણ વગર ગુનેગાર તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે. કોર્ટે જ્યારે પૂછ્યું કે શું આરોપી સામુદાયિક સેવા કરશે? ત્યારે વકીલે પ્રસ્તાવ મૂક્યો હતો કે ચિરંથ શાળાના બાળકોને ટ્રાફિકના નિયમો શીખવશે.

જોકે, જજ આ પ્રસ્તાવથી સહમત થયા ન હતા. તેમણે વકીલને ટકોર કરતા કહ્યું કે, ‘તમે પોતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, તો તમે બીજાને તે કેવી રીતે શીખવી શકો?’ કોર્ટે કડક વલણ અપનાવતા આદેશ આપ્યો કે, જો આરોપીને કેસમાંથી મુક્તિ જોઈતી હોય, તો તેણે સજાના ભાગરૂપે રસ્તા પર સફાઈ કરવી પડશે. આ ચુકાદો રસ્તા પર જોખમી રીતે વાહન ચલાવતા નબીરાઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments