ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 16-સુબીર જિલ્લા પંચાયત બેઠક પર એક જ પરિવારના બે સભ્યો એટલે કે સાસુ અને વહુ સામસામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. સામાન્ય રીતે ચૂંટણીમાં બે પક્ષો વચ્ચે ટક્કર જોવા મળતી હોય છે, પરંતુ ડાંગની 16-સુબીર જિલ્લા પંચાયત બેઠક પર એક અનોખો અને રસાકસીભર્યો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક જ પરિવારના બે સભ્યો એટલે કે સાસુ અને વહુ સામસામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

કોંગ્રેસ પક્ષે આ બેઠક પર અનુભવી જયનુબેન બાગુલને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ આ જ બેઠક પર જયનુબેનના પુત્રવધુ પ્રિયંકા કુંવરને ટિકિટ આપીને ચૂંટણી જંગને વધુ રસપ્રદ બનાવી દીધો છે. આમ, એક જ ઘરમાં હવે ભાજપ અને કોંગ્રેસના પ્રચારના ભણકારા વાગી રહ્યા છે.
સુબીર તાલુકો વર્ષોથી વિકાસથી વંચિત રહ્યો હોવાની ફરિયાદો ઉઠતી રહી છે. ત્યારે હવે સાસુ અને વહુ બંને પોતપોતાના પક્ષની વિચારધારા અને વિકાસના વાયદા સાથે મતદારો પાસે જઈ રહ્યા છે. ગ્રામીણ મતદારોમાં પણ આ બેઠકને લઈને ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે સુબીરની જનતા સાસુના અનુભવ પર ભરોસો મૂકે છે કે વહુના નવા જોશ પર!


