STFના સિનિયર પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અજય સિંહના જણાવ્યા મુજબ, વિક્રાંત કશ્યપ પર આરોપ છે કે તે દેહરાદૂનમાં આવેલી સરકારી અને રક્ષા સંસ્થાઓની લોકેશન અને તસવીરો પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સને મોકલતો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે ISI સાથે જોડાયેલા એજન્ટ અને પાકિસ્તાની આતંકી શહેજાદ ભાટીના સંપર્કમાં હતો.
પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે STF અને સ્થાનિક પોલીસએ સંયુક્ત કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી. તપાસ દરમિયાન તેની પાસેથી .32 બોરની પિસ્ટલ, સાત જીવંત કારતૂસ અને સ્પ્રે પેઇન્ટનો કેન જપ્ત કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે આરોપી Instagram અને WhatsApp મારફતે પોતાના હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતો.

તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ દેહરાદૂનના પોલીસ હેડક્વાર્ટર, ISBT અને અન્ય મહત્વપૂર્ણ સ્થળોની તસવીરો અને વીડિયો પણ પાકિસ્તાન મોકલ્યા હતા. ઉપરાંત તેને આ સ્થળોએ બોમ્બ મુકવા અને “તહરીક-એ-તાલિબાન હિંદુસ્તાન (TTH)”ના નામે દિવાલો પર નારા લખવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.
SSP મુજબ, આરોપી 2024-25 દરમિયાન પંજાબના નાભામાં રહ્યો હતો. તેના હેન્ડલર્સે તેને નેપાળ મારફતે દુબઈ મોકલવાનો લોભ પણ આપ્યો હતો. આરોપીના મોબાઇલ ફોનમાંથી અનેક સંવેદનશીલ માહિતી મળી આવી છે, જેની તપાસ ચાલુ છે.
હાલમાં સુરક્ષા એજન્સીઓ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આ નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંકળાયેલા છે તે જાણવા પ્રયાસ કરી રહી છે.


