અમેરિકાના ઇન્ડિયાના રાજ્યમાંથી માનવતાને શરમાવે તેવી એક અત્યંત દર્દનાક ઘટના સામે આવી છે. ભૂખથી ટળવળતા બે વર્ષના માસૂમ બાળકે મજબૂરીમાં ડાયપર અને દીવાલના ટુકડા ખાઈ લીધા હતા, જેના કારણે તેનું કરૂણ મોત નીપજ્યું છે.
અમેરિકાના ઇન્ડિયાનામાં એક 2 વર્ષના બાળકના મોતે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. એરિક રાઇખાર્ડ નામના આ માસૂમ બાળકની લાપરવાહી અને ભૂખના કારણે એવી હાલત થઈ હતી કે તેને ડાયપરના જેલ અને દીવાલના પોપડા (ડ્રાયવોલ) ખાવા પડ્યા હતા. પોલીસે આ મામલે બાળકના માતા-પિતાની ધરપકડ કરી છે.
પોલીસ અને કોર્ટના રેકોર્ડ મુજબ, 31 માર્ચના રોજ બપોરે 1:20 વાગ્યે પિતા ટ્રેવર રાઇખાર્ડ-હેયસ (39) એ 911 પર ફોન કરીને જાણ કરી હતી કે તેમનો પુત્ર શ્વાસ નથી લઈ રહ્યો. જોકે, તપાસમાં જાણવા મળ્યું કે દંપતીએ બાળકને છેલ્લીવાર જીવતો જોયાના 14 કલાક પછી પોલીસને જાણ કરી હતી. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે બાળકની હાલત જોઈને અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. 2 વર્ષના બાળકનું વજન માત્ર 15 પાઉન્ડ હતું, જે તેની ઉંમરના હિસાબે અત્યંત ઓછું છે. બાળકના શરીર પર અનેક ઘા અને જીવજંતુઓના કરડવાના નિશાન હતા. બાળકના પેટમાંથી ડાયપરના જેલ અને દીવાલના ટુકડા મળી આવ્યા હતા. માતાએ કબૂલ્યું હતું કે બાળક ભૂખના કારણે પોતાના ડાયપર ખાઈ રહ્યો હતો.
તપાસકર્તાઓએ જણાવ્યું કે ઘરની હાલત અત્યંત ગંદી હતી. બાળકના રૂમમાં ગંદકી, મળ-મૂત્ર અને કીડાઓ હતા, જ્યારે આશ્ચર્યજનક રીતે માતા-પિતાનો રૂમ એકદમ સાફ અને વ્યવસ્થિત હતો. ઘરમાં રહેતા અન્ય બે બાળકો પણ કુપોષણનો શિકાર હતા, જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ટ્રેવર રાઇખાર્ડ-હેયસ અને માતા કેથરીન કાર્ટર (31) પર હત્યા અને બાળકની લાપરવાઈના ગંભીર આરોપો હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


