HomeGujaratRajkotRajkot : રાજકોટમાં ફોર્મ મુદ્દે મામલો મેદાને, વોર્ડ નં. 14 માં BJPના...

Rajkot : રાજકોટમાં ફોર્મ મુદ્દે મામલો મેદાને, વોર્ડ નં. 14 માં BJPના ફોર્મ સામે કોંગ્રેસને વાંધો

રાજકોટમાં વોર્ડ નંબર 14માં ભાજપના કેતન પટેલના ઉમેદવારી ફોર્મમાં અધૂરી વિગતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ કરવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારી ચાંદની પરમાર સામે પણ સવાલો ઉઠ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં ફોર્મ ચકાસણીના દિવસે જ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 14માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેતન પટેલના ઉમેદવારી ફોર્મ સામે કોંગ્રેસ દ્વારા લેખિતમાં વાંધા લેવામાં આવતા ચૂંટણી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

કોંગ્રેસના નેતાઓએ કેતન પટેલના ફોર્મ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો છે કે, ઉમેદવારે રજૂ કરેલા સોગંધનામામાં વિગતો છુપાવવામાં આવી છે. ખાસ કરીને શૈક્ષણિક લાયકાત અંગેની કોલમમાં અધૂરી માહિતી ભરવામાં આવી હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. નિયમ મુજબ જો કોઈ વિગત અધૂરી હોય તો ફોર્મ રદબાતલ ગણાય, તેવી માગ કોંગ્રેસે ચૂંટણી અધિકારી સમક્ષ કરી છે.

આ વિવાદ માત્ર ફોર્મ પૂરતો મર્યાદિત ન રહેતા, કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પ્રક્રિયા પર પણ સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ચૂંટણી અધિકારીઓ તટસ્થ રહીને કામ કરવાને બદલે સત્તાધારી પક્ષ ભાજપના એજન્ટ હોય તેવું વર્તન કરી રહ્યા છે. ચૂંટણી અધિકારી ચાંદની પરમારની કામગીરી સામે પણ કોંગ્રેસે સીધા આક્ષેપો કર્યા છે અને તંત્ર પર દબાણ હોવાનું જણાવ્યું છે.

કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, જો સામાન્ય નાગરિકના ફોર્મમાં નાની ભૂલ હોય તો પણ તેને રદ કરવામાં આવે છે, તો ભાજપના ઉમેદવારના કિસ્સામાં કેમ ઉદારતા રાખવામાં આવે છે? અધૂરી વિગતો ધરાવતા ફોર્મ તાત્કાલિક અસરથી રદ કરવા જોઈએ તેવી માંગ સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી અધિકારી આ વાંધાઓ પર શું નિર્ણય લે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments