• પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) ના રાજ્યવાર મૂલ્યાંકનમાં ગુજરાત 346 ગ્રામ પંચાયતો સાથે મોખરે
• સારું પ્રદર્શન કરનારી પંચાયતોની સંખ્યામાં પણ ગુજરાત દેશમાં સૌથી આગળ, રાજ્યની 13,781 પંચાયતો સામેલ
• ભારત સરકાર દ્વારા પહેલી વાર જારી કરવામાં આવ્યો છે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI)
APR 23 2025 3:00 PM BY પંચાયત, ગ્રામીણ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર એચ.ઓ
ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા વર્ષ 2022-23 માટે તાજેતરમાં પહેલી વાર પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) જારી કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતે ગ્રામીણ શાસન અને ટકાઉ વિકાસના ક્ષેત્રમાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સશક્ત ગામડાંઓ, સમૃદ્ધ દેશ’ના વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતે ગ્રામીણ વિકાસમાં આ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 24 એપ્રિલે ઉજવવામાં આવતો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ 1992માં પસાર થયેલા 73મા બંધારણીય સુધારા અધિનિયમની યાદ અપાવે છે. આ કાયદાએ ભારતમાં પંચાયતી રાજ પ્રણાલીની સ્થાપના કરી અને ગ્રામીણ ભારતમાં સ્થાનિક સ્વરાજ્યને મજબૂત બનાવ્યું. આ સંદર્ભમાં પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાતની તાજેતરની સિદ્ધિ મજબૂત ગ્રામીણ શાસન અને ટકાઉ ગ્રામીણ વિકાસમાં તેના મજબૂત નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે.

ભારત સરકારના આ પંચાયત પ્રગતિ સૂચકાંક (PAI)માં દેશભરની કુલ 2,16,285 માન્ય ગ્રામ પંચાયતોમાંથી ગુજરાતની 346 પંચાયતોને ‘અગ્રણી’ અને 13,781 પંચાયતોને ‘વધુ સારું પ્રદર્શન’ કરનારી શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ બંને શ્રેણીઓમાં ગુજરાત દેશમાં મોખરાનું રાજ્ય છે. આ સૂચકાંકમાં, તેલંગાણા 270 ‘અગ્રણી’ પંચાયતો સાથે બીજા ક્રમે રહ્યું હતું, જ્યારે ‘વધુ સારું પ્રદર્શન’ શ્રેણીમાં મહારાષ્ટ્ર 12,242 પંચાયતો સાથે બીજા ક્રમે રહ્યું અને તેલંગાણા 10,099 પંચાયતો સાથે ત્રીજા ક્રમે રહ્યું. આ PAI સૂચકાંકમાં દેશની 2,55,699 ગ્રામ પંચાયતોમાંથી 2,16,285 પંચાયતોએ માન્ય ડેટા રજૂ કર્યો હતો, જેમાંથી 699 પંચાયતો ‘અગ્રણી’, 77,298 ‘વધુ સારું પ્રદર્શન કરનારી’ અને 1,32,392 ‘મહત્વાકાંક્ષી’ પંચાયતો હતી.


