‘કાંતારા ચેપ્ટર વન’ને લગતા વિવાદમા રણવીર સિંહને આખરે રાહત મળી છે. કર્ણાટક હાઈકોર્ટ તેની સામે થયેલો ફોજદારી કેસ બંધ કરવા માટે સંમત થઈ છે. અદાલતે જણાવ્યું હતું કે તે રણવીરે નવેસરથી આપેલી માફીની નોંધ લઈ આ કેસ બંધ કરવા આદેશ આપશે. અદાલતે સાથે સાથે રણવીરને મૈસુરની પહાડીઓમાં આવેલાં ચામુંડી દેવીનાં મંદિરે જઈ માથું ટેકવી માફી માગવા માટે ચાર સપ્તાહની મહેતલ પણ આપી છે. આ કેસના ચુકાદામાં સેલિબ્રિટીઓને કોઈનીય ધાર્મિક લાગણી નહીં દૂભવવાની ચેતવણી આપવી જોઈએ તેવી મૂળ અરજદારની માગણી પણ અદાલતે સ્વીકારી હતી.

ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના સ્ટેજ પર ‘કાંતારા ચેપ્ટર વન’ના હિરો ઋષભ શેટ્ટીની પ્રશંસા કરવા ટાણે રણવીરે તેના પાત્રને લગતા કેટલાક ચેનચાળા કર્યા હતા. તેનાથી દેવી દેવતાઓનું અપમાન થયું હોવાનો વિવાદ જાગ્યો હતો અને કર્ણાટકમાં આ મુદ્દે રણવીર સામે એફઆઈઆર થઈ હતી. રણવીરે પહેલીવાર કોર્ટમાં માફીનામું રજૂ કર્યું ત્યારે અદાલતે તેને ફગાવી દેતાં કહ્યું હતું કે રણવીરની માફીમાં કોઈ ગંભીરતા વર્તાતી નથી. તે પછી રણવીરે પોતે ફરીથી માફીનામું લખી આપશે અને ચામુંડી દેવીનાં મંદિરે જઈને પણ માફી માગશે તેમ અદાલતમાં જણાવ્યું હતું.


