શહેરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના અત્યંત ધમધમતા વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં ધોળા દિવસે ચાર હથિયારધારી શખ્સોએ અંદાજે રૂ. 50 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
મળતી વિગતો અનુસાર, આ ઘટના બપોરના સમયે બની હતી જ્યારે બેંકમાં ગ્રાહકોની અવરજવર નહિવત હતી. બેંકમાં માત્ર કર્મચારીઓ જ હાજર હતા, જેનો ફાયદો ઉઠાવીને પાંચ અજાણ્યા શખ્સો બેંકમાં ધસી આવ્યા હતા. લૂંટારુઓએ ફિલ્મી ઢબે બંદૂક બતાવી કર્મચારીઓને ડરાવ્યા હતા અને માત્ર ગણતરીની મિનિટોમાં જ આશરે 50 લાખ રૂપિયાની રોકડ લૂંટીને નાસી છૂટ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ઘટનાની જાણ થતા જ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર શહેર અને બહાર નીકળવાના રસ્તાઓ પર નાકાબંધી કરી દેવામાં આવી છે. પોલીસે લૂંટારુઓને પકડવા માટે અલગ-અલગ 7 ટીમો બનાવી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસનો સમાવેશ થાય છે.

પોલીસે બેંકના અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. ફૂટેજમાં લૂંટારુઓની હિલચાલ કેદ થઈ છે, જેના આધારે તેમની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ધોળા દિવસે થયેલી આ લૂંટની ઘટનાએ બેંકિંગ ક્ષેત્ર અને સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ પેદા કર્યો છે.
ડીસીપી અશોક કુમારે જણાવ્યું કે, પ્રાથમિક માહિતી અનુસાર 50 લાખ રૂપિયાની લૂંટ થઇ છે. કેશિયર પાસેથી રહેલી રોકડ અને કેશ ડિપોઝીટની ગાડીમાંથી મળીને 50 લાખ રૂપિયાની લૂંટ કરી છે. હાલ પાંચ આરોપી દેખાઇ રહ્યા છે. આમાં વધુ આરોપીઓ હોવાની પણ સંભાવના છે.


