શું તમે લીંબુ શરબત બનાવતી વખતે ગરમ પાણીનો ઉપયોગ કરો છો? જાણો લીંબુ શરબત બનાવવાની સાચી રીત અને એ સામાન્ય ભૂલ વિશે જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
લીંબુ પાણી
ઉનાળાની ઋતુમાં લીંબુ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. હિટસ્ટ્રોકથી બચવા અને લૂ જેવી સમસ્યામાં લીંબુનું પાણી મોટી રાહત આપે છે. ગરમીમાં મહેમાન આવે ત્યારે લીંબુ પાણી બેસ્ટ વેલકમ ડ્રિંકસ કહી શકાય. શરીરને ફક્ત ડીટોક્સ કરવા જ નહી પરંતુ હાઈડ્રેટ કરવા પણ લીંબુ પાણી ઉપયોગી છે. સ્વાસ્થ્યમાં અનેક રીતે લાભદાયી છે આ પાણી. પરંતુ એ જરૂરી છે કે તમારું લીંબુ પાણી યોગ્ય હોવું જોઈએ. સામાન્ય લાગતું આ ડ્રિંકસ બનાવવામાં કરાતી ભૂલોના કારણે તેના ફાયદાથી વંચિત રહીએ છીએ. એક્સપર્ટ પાસેથી જાણીએ યોગ્ય લીંબુ પાણી બનાવવાની સાચી રીત.
લીંબુ શરબત બનાવવાની સાચી રીત
લેમન ડ્રિંક્સ બનાવવા માટે સૌથી પહેલા સામાન્ય તાપમાનનું અથવા માટલાનું ઠંડુ પાણી એક જગમાં લો. આ પાણીમાં ખાંડ/મધ અને મીઠું ઓગાળો. લીંબુ નીચોવતા પહેલા ખાંડ, સંચળ (Black Salt) અને શેકેલું જીરું પાવડર પાણીમાં નાખીને બરાબર ઓગાળી લો. જો તમે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હોવ, તો ખાંડને બદલે મધ અથવા ગોળનો પાવડર વાપરી શકો છો. જ્યારે બધું જ ઓગળી જાય, ત્યારે છેલ્લે તાજું લીંબુ કાપીને નીચોવો. ત્યારે લીંબુના ઠળિયા કાઢવાનું ભૂલશો નહી. ઠળિયા જો શરબતમાં જતા રહેશે તો આ ડ્રિંક્સનો સ્વાદ કડવો થશે. તેથી તેને તરત જ ગાળી લો. તાજગી વધારવા માટે તમે તેમાં હાથેથી મસળેલા ફુદીનાના પાન ઉમેરી શકો છો.

જાણો લીંબુ પાણીના ગજબના ફાયદા
લીંબુ પાણી એ ઉનાળા માટે કુદરતનું વરદાન સમાન પીણું છે, જે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન જાળવીને તરત જ તાજગી અને સ્ફૂર્તિ અર્પે છે. વિટામિન C થી ભરપૂર હોવાથી તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ત્વચાને અંદરથી સાફ કરીને કુદરતી ચમક આપે છે. આ ઉપરાંત, સવારે નવશેકા પાણી સાથે લીંબુનું સેવન પાચનક્રિયાને વેગ આપે છે, શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે (Detox) અને વજન ઘટાડવામાં પણ અત્યંત મદદરૂપ સાબિત થાય છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


