કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી અને અરુણાચલ પ્રદેશના સાંસદ કિરેન રિજિજૂએ ભારત-ચીન સરહદ (LAC) ને લઈને એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન બોર્ડર પર સરહદ રેખાંકિત ન હોવાને કારણે સમસ્યા ચોક્કસ છે. જોકે, તેમણે ચીની સેના દ્વારા અરુણાચલ પ્રદેશમાં 60 કિલોમીટર અંદર સુધી ઘૂસણખોરી કરવાના અહેવાલોને તથ્યહીન ગણાવીને ફગાવી દીધા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી અફવાઓથી ભારતીય સેનાનું મનોબળ તૂટે છે, પરંતુ સરહદી વિસ્તારોમાં ચાઇનીઝ આર્મીની વધેલી ગતિવિધિઓને ગંભીરતાથી લેવી જરૂરી છે.
સરહદ નિર્ધારણ ન હોવું એ જ તણાવનું મુખ્ય કારણ
કિરેન રિજિજૂએ ભારત-ચીન સરહદ વિવાદ વિશે વિગતવાર વાત કરતા જણાવ્યું કે, અરુણાચલ પ્રદેશમાં બંને દેશો વચ્ચે ખૂબ જ લાંબી સીમા છે. પરંતુ જમીન પર બોર્ડર પિલર કે સ્પષ્ટ રેખાંકન (Demarkation) નથી. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે તિબ્બત એક અલગ રાષ્ટ્ર હતું ત્યારે પણ ભારત અને તિબ્બત વચ્ચે સરહદનું પરિસીમન થયું નહોતું. તેમણે ઉમેર્યું કે દુર્ગમ અને ઊંચાઈ વાળા વિસ્તારોમાં ગામડાં નથી હોતા, ગામડાં માત્ર ખીણમાં હોય છે. સ્થાનિક લોકો પરંપરાગત રીતે પશુઓ ચરાવવા, શિકાર કરવા કે વેપાર માટે ઉપરના વિસ્તારોમાં જતા હતા. સરહદનું સીમાંકન ન હોવાને કારણે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અવારનવાર તણાવ સર્જાય છે.

ભૂતકાળની નીતિઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ
સરહદી વિવાદના મૂળ કારણો વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ચીને પહેલા સરહદ પાસે રસ્તાઓ, હાઇવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, “કોંગ્રેસના શાસનકાળ દરમિયાન તત્કાલીન સંરક્ષણ મંત્રી એ. કે. એન્ટનીએ સંસદમાં નિવેદન આપ્યું હતું કે અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારોમાં રસ્તા ન બનાવવા એ ભારત સરકારની નીતિ છે. જ્યારે બીજી તરફ ચીન સતત રસ્તાઓ અને કેમ્પ બનાવતું રહ્યું. આપણો રસ્તો ન હોવાથી અને ચીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી લીધું હોવાથી ઊંચાઈ વાળા વિસ્તારોમાં તેમણે કબજો કરી લીધો.”
જોકે, વર્ષ 2014 પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે આ નીતિ બદલી નાખી અને સરહદ પર ઝડપથી રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ શરૂ કર્યું. રિજિજૂએ સ્પષ્ટ કર્યું કે, “એવું નથી કે ચીને આવીને આપણાં ગામડાં પર કબજો કરી લીધો છે, પણ સીમાંકન ન હોવાને કારણે કેટલીક જમીન પર તેમની નજર છે.”
લોંગજુ અને ટોપ રિજ પર ચાઇનીઝ આર્મીની ગતિવિધિઓ
કિરેન રિજિજૂએ ઐતિહાસિક સંદર્ભ આપતા જણાવ્યું કે, લોંગજુ (Longju) થી આગળ જ્યાં નદીનું મિલન થાય છે, ત્યાં ચાઇનીઝ PLA ના કેટલાક સ્ટ્રક્ચર અને બિલ્ડિંગો બનેલા છે. પરંતુ આ જમીન પર ચીને 1959માં કબજો કર્યો હતો, જ્યાં આસામ રાઇફલ્સના જવાનો શહીદ થયા હતા. તેમણે કહ્યું કે હાલમાં જ્યાં આપણી બોર્ડર પોઇન્ટ અને પોસ્ટ છે, ત્યાં 1962 પછી આનાકાની બંધ છે. પરંતુ ટોપ રિજ (ટોચના વિસ્તારો) પર ચીની સેનાની ગતિવિધિઓ ચોક્કસપણે વધી છે અને સરહદી ગામના લોકોએ વ્યક્ત કરેલી ચિંતા વ્યાજબી છે, જેને ભારત સરકારે ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે.
1914ની મેકમોહન લાઇન અને LAC વચ્ચેનો તફાવત
અરુણાચલ પ્રદેશને લઈને ભારત અને ચીન વચ્ચેનો મૂળ વિવાદ સરહદની વૈધતા અને સાર્વભૌમત્વનો છે. ભારત સમગ્ર અરુણાચલ પ્રદેશને પોતાનો અવિભાજ્ય અંગ માને છે, જ્યારે ચીન આ વિસ્તાર પર પોતાનો દાવો કરીને તેને ‘ઝાંગનાન’ (Zangnan) અથવા ‘દક્ષિણ તિબ્બત’ કહે છે, જેને ભારતે હંમેશા ફગાવી દીધું છે.
આ વિવાદનું મૂળ 1914ની મેકમોહન લાઇન (McMahon Line) છે. 1914માં બ્રિટિશ ભારત, તિબ્બત અને ચીનના પ્રતિનિધિઓ વચ્ચે શિમલા સંમેલનમાં સરહદ નક્કી થઈ હતી, જેને મેકમોહન લાઇન કહેવામાં આવે છે. ભારત તેને જ આંતરરાષ્ટ્રીય સરહદ માને છે. જોકે, ચીન આ રેખાને ગેરકાયદેસર ગણાવે છે કારણ કે તેના મતે 1914માં તિબ્બત પાસે આવો કરાર કરવાનો કોઈ સ્વતંત્ર અધિકાર નહોતો.
બીજી તરફ, LAC (Line of Actual Control) એ વાસ્તવિક નિયંત્રણ રેખા છે, જ્યાં સુધી બંને દેશોની સેનાઓ જમીન પર પ્રત્યક્ષ નિયંત્રણ ધરાવે છે. ચોક્કસ સીમાંકન ન હોવાને કારણે બંને દેશોની સેનાઓની પોતાની ધારણા મુજબ LAC અલગ-અલગ સ્થાને છે. આથી જ પેટ્રોલીંગ દરમિયાન બંને દેશોના સૈનિકો સામસામે આવી જાય છે અને ઘર્ષણની સ્થિતિ સર્જાય છે.
તાકસિંગ ક્ષેત્રનો તાજો વિવાદ અને ભારત સરકારનું વલણ
અરુણાચલ પ્રદેશના અપર સુબનસિરી જિલ્લાના અતિ દુર્ગમ સરહદી વિસ્તાર તાકસિંગ (Taksing) માં તાજેતરમાં સ્થાનિક સંગઠન ‘નાહ વેલફેર સોસાયટી’ (NWS) અને પ્રાદેશિક પક્ષ ‘પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ’ (PPA) દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો કે ચીનની PLA ભારતીય વિસ્તારમાં રસ્તા, પુલ અને મિલિટ્રી કેમ્પ બનાવી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે સ્થાનિક લોકોના પરંપરાગત શિકાર અને પશુચરાણના વિસ્તારો પર ચીને કબજો કરી લીધો છે. જોકે, ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે આ દાવાઓને સન્સનાટીપૂર્ણ ગણાવી ફગાવ્યા હતા. બીજી તરફ, ભારતીય સેનાએ પણ ચીનના નવા કેમ્પ કે હાલના અતિક્રમણના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા
ભારતના વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું છે કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી અત્યંત જરૂરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જેસવાલે જણાવ્યું હતું કે ભારતે દ્વિપક્ષીય વાટાઘાટોમાં હંમેશા એ વાત પર ભાર મૂક્યો છે કે ભારતીય વિસ્તારોમાં ચીની સૈનિકોની ઘૂસણખોરીના મુદ્દા ખૂબ જ ગંભીર છે અને સરહદ પરની પરિસ્થિતિની સીધી અસર ભારત-ચીનના સમગ્ર સંબંધો પર પડશે.


