HomeRashifalBusinessBusiness : RBIનો નવો ડ્રાફ્ટ: વર્ષ 2027થી બદલાશે પર્સનલ અને હોમ લોનનો...

Business : RBIનો નવો ડ્રાફ્ટ: વર્ષ 2027થી બદલાશે પર્સનલ અને હોમ લોનનો નિયમ, જાણો EMI પર શું અસર થશે

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) આગામી સમયમાં એક એવા મહત્ત્વપૂર્ણ ફેરફારનો પ્રસ્તાવ લાવી રહી છે, જેનાથી ફ્લોટિંગ રેટ લોન પર વ્યાજ દરોમાં થતા ફેરફારની અસર ગ્રાહકો પર ખૂબ ઝડપથી જોવા મળશે. RBIની આ નવી ફ્રેમવર્ક યોજના હાલમાં માત્ર એક ડ્રાફ્ટ (ખરડો) છે, જેના પર 11 સપ્ટેમ્બર 2026 સુધી સૂચનો મંગાવવામાં આવ્યા છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો આ નિયમ 1 એપ્રિલ, 2027થી અમલમાં આવશે. જોકે આ નિયમથી હોમ લોનની EMIમાં તુરંત કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ રિઝર્વ બેન્ક દ્વારા દરોમાં ઘટાડો કે વધારો કરવાનો લાભ કે અસરો લોન ધારકો સુધી પહોંચવાની પ્રક્રિયા ઘણી બદલાઈ જશે.

વ્યાજ દરો રીસેટ કરવાની ફ્રીક્વન્સીમાં મોટો ફેરફાર

RBIનો સૌથી મોટો પ્રસ્તાવિત ફેરફાર વ્યાજ દરોના રીસેટ સમયગાળા સાથે જોડાયેલો છે. હાલમાં મોટાભાગની ફ્લોટિંગ-રેટ લોન વર્ષમાં માત્ર એક જ વાર રીસેટ થાય છે. આના કારણે RBI દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ પણ લોન ધારકોને તેનો લાભ મેળવવામાં મહિનાઓ લાગી જતા હતા. પ્રસ્તાવિત નિયમ હેઠળ હવે ફ્લોટિંગ રેટ લોન વધુમાં વધુ ત્રણ મહિનાની અંદર રીસેટ કરવી પડશે. આનાથી રેપો રેટ આધારિત હોમ લોન લેનારાઓને વ્યાજ દરો ઘટવાનો લાભ ઝડપથી મળશે, પરંતુ સામે પક્ષે વ્યાજ દરો વધવાની સ્થિતિમાં તેની અસર પણ વહેલી જોવા મળશે.

પર્સનલ અને ઓટો લોનની EMI પર શું અસર પડશે?

RBIનો આ નવો રીસેટ ફ્રેમવર્ક મુખ્યત્વે ફ્લોટિંગ-રેટ લોન પર લાગુ થાય છે. રિટેલ લેન્ડિંગ ક્ષેત્રે તે ખાસ કરીને હોમ લોન પર અસર કરશે. મોટાભાગની પર્સનલ અને ઓટો લોન ફિક્સ-રેટ આધારિત હોવાથી આ નિયમોને કારણે હયાત પર્સનલ લોનની EMIમાં અચાનક કોઈ બદલાવ નહીં આવે. જોકે, નવા લોન ધારકો માટે પારદર્શિતા વધશે અને લોન એગ્રીમેન્ટમાં જ બેન્ચમાર્ક, રેટ રીસેટની ફ્રીક્વન્સી અને રીસેટ તારીખ જેવી વિગતો સ્પષ્ટપણે દર્શાવવી પડશે. આ ઉપરાંત ડ્રાફ્ટમાં સ્પ્રેડના નોન-ક્રેડિટ હિસ્સામાં ત્રણ વર્ષ સુધી કોઈ ફેરફાર ન કરવાનો પ્રસ્તાવ પણ છે.

હયાત હોમ લોન ધારકોએ શું કરવું?

ફ્લોટિંગ-રેટ પર ચાલી રહેલી જૂની હોમ લોન ધરાવતા ગ્રાહકોએ હાલમાં કંઈ કરવાની જરૂર નથી. પ્રસ્તાવિત નિયમ મુજબ, હયાત લોન 1 એપ્રિલ 2029 સુધીમાં નવી સિસ્ટમમાં ટ્રાન્સફર કરી દેવાશે, જેના માટે ગ્રાહક સંમતિ જરૂરી રહેશે. આ ફેરફાર માટે બેન્કો કોઈ પ્રોસેસિંગ ફી લઈ શકશે નહીં કે માત્ર સિસ્ટમ બદલાવાને કારણે વ્યાજ દર વધારી શકશે નહીં. રીસેટ સમયે ગ્રાહકો પાસે ફિક્સ-રેટ લોન પર શિફ્ટ થવાનો અથવા ક્રેડિટ પ્રોફાઈલ સુધરી હોય તો ઓછા સ્પ્રેડની માંગ કરવાનો પણ વિકલ્પ રહેશે.

લોન લેતી વખતે આ 3 બાબતોનું ખાસ ધ્યાન રાખવું

અગામી સમયમાં નવી હોમ લોન લેતી વખતે ગ્રાહકોએ મુખ્યત્વે 3 વાતો ધ્યાનમાં રાખવી જોઈએ:

1) સ્પ્રેડ ચકાસો: માત્ર જાહેરાતોમાં દર્શાવાતા ઓછા વ્યાજ દર સરખાવવાને બદલે મૂળ બેન્ચમાર્ક પરનો સ્પ્રેડ ચેક કરો, કારણ કે તે વર્ષો સુધી તમારી સાથે રહે છે.

2) રીસેટ ફ્રીક્વન્સી: તમારી બેન્ક કે ધિરાણ સંસ્થા વ્યાજ દર ક્યારે અને કેટલા સમયાંતરે બદલશે તેની સ્પષ્ટ જાણકારી મેળવો.

3) આર્થિક સુરક્ષા અને સ્થિરતા: ભવિષ્યમાં વ્યાજ દર વધે તો પણ તમારા માસિક હોમ બજેટ પર કોઈ માઠું પરિણામ ન આવે તે માટે EMI સંભાળવાની આર્થિક તૈયારી રાખો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments