અમેરિકાએ ફરીથી રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયત્નો સઘન બનાવતા બંને દેશે ત્રણ દિવસનો યુદ્ધવિરામ લીધો છે. આના પગલે આગામી ૭૨ કલાક બંને દેશ એકબીજા પર હુમલા નહીં કરે. રશિયન પ્રમુખ પુતિને આદેશ આપ્યો છે કે કીવ પર હુમલા ૭૨ કલાક સુધી અટકાવવામાં આવે. યુક્રેને પણ રશિયા પર આટલો સમય હુમલો નહીં કરીએ તેમ જણાવ્યું છે.
અમેરિકાના પ્રતિનિધિ સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર શનિવારે મોસ્કો આવી પહોંચ્યા છે. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરવાની મંત્રણા ફરીથી શરૂ કરી છે. બંને દેશ એકબીજા પર તીવ્ર હવાઈ હુમલા અને ડ્રોન એટેક કરી રહ્યા છે તે સમયે બંને અમેરિકન પ્રતિનિધિઓ રશિયાની મુલાકાતે ગયા છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે અમેરિકન પ્રતિનિધિ રશિયાની મુલાકાતે આવતા યુક્રેને હુમલા અટકાવી દીધા છે અને આશા છે કે રશિયા પણ તેવું જ કરશે. રશિયાએ પણ તેવું જ કર્યુ હતુ.
ક્રેમલિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ કીવ પર હુમલા કરવામાં નહીં આવે. અમેરિકન પ્રતિનિધિઓના આગમનના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકા ઇરાન યુદ્ધમાં સંડોવાયેલુ હોવાથી તેનું ધ્યાન આ યુદ્ધ પરથી હટી ગયુ હતુ, હવે તે અચાનક ફરીથી રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવા સક્રિય થયું છે. અમેરિકા પાંચમાં વર્ષમાં પ્રવેશેલું રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવા આતુર છે. બંને અમેરિકન પ્રતિનિધિઓને રશિયન રાજદૂત કિરિલ દમિત્રિયેવ મળ્યા હતા.
આ પહેલા જાન્યુઆરીમાં સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર રશિયા આવ્યા હતા. તેઓ તે સમયે ક્રેમલિનમાં રશિયન પ્રમુખ પુતિનને મળ્યા હતા. તેઓએ ક્યારેય કીવની મુલાકાત લીધી નથી, પરંતુ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે તેઓને આશા છે કે બંને રવિવારે યુક્રેનની રાજધાનીની મુલાકાત લેશે.

રશિયાએ યુક્રેનના રોસ્તોવ અને વોરોનેઝ પ્રાંત પર ૧૬૭ ડ્રોન વડે હુમલો કર્યો હતો. જ્યારે યુક્રેનિયન એર ડિફેન્સે ૧૨૮ ડ્રોન તોડી પાડયા હતા. રશિયાએ યુક્રેનના ૫૩ ડ્રોન તોડી પાડયા હતા.
શાંતિ પ્રયત્નો અટવાઈ જવાના કારણે રશિયાના કીવ અને યુક્રેનના અન્ય શહેરો પરના હુમલા વધુ તીવ્ર બન્યા હતા. તાજેતરમા ંતો આ હુમલા ધોળા દિવસે થવા લાગ્યા હતા. યુક્રેનની એરડિફેન્સ સિસ્ટમની અછતનો ફાયદો ઉઠાવી રશિયાએ બેલિસ્ટિક મિસાઇલથી હુમલા વધાર્યા છે. શુક્રવારે રશિયાએ કીવમાં અત્યંત મહત્ત્વના સરકારી બિલ્ડિંગ પર હુમલો કર્યો હતો, આ બિલ્ડિંગ યુક્રેનની સિક્યોરિટી સર્વિસની હેડક્વાર્ટર છે, જે એસબીયુ તરીકે જાણીતું છે. આ યુનિટ રશિયામાં છેક અંદર સુધી હુમલા કરવા માટે જાણીતું છે.
યુક્રેનના રશિયાના મિલિટરી એકમો, ઓઇલ રિફાઇનરી અને ઇ-કોમર્સ હબ પરના હુમલાએ રશિયન અર્થતંત્રને તો ફટકો માર્યો જ છે, પરંતુ રશિયાની આગેકૂચને પણ ધીમી પાડી છે. તેના પગલે હવે રશિયાના સામાન્ય નાગરિકો પણ યુદ્ધની વરવી વાસ્તવિકતા અનુભવવા લાગ્યા છે. રશિયા પોતે ક્રૂડ ઓઇલનું જંગી ઉત્પાદક હોવા છતાં ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલ વગર ટળવળી રહ્યુ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયાએ કીવ અને બોરીસ્પિલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રાત્રે હુમલો કર્યો હતો. તેના આ હુમલાનું ધ્યેય અમેરિકન પ્રતિનિધિમંડળ યુક્રેનની મુલાકાત ન લઈ શકે તે પ્રકારનું છે. અમે રશિયાની આ હિલચાલની નોંધ લીધી છે અને આગામી સપ્તાહે રશિયન એરસ્પેસમાં અમારી કામગીરી તે મુજબ એડજસ્ટ કરીશું. રશિયાના હુમલામાં કીવમાં પાંચના મોત થયા છે અને પાંચ ઇજા પામ્યા છે. શનિવારે રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તે યુક્રેનના બે મટર્લુગિકલ પ્લાન્ટ પર હુમલો કર્યો છે. આ પ્લાન્ટ યુક્રેનના લશ્કરી ઉત્પાદન માટે મહત્ત્વનો પુરવઠો પૂરો પાડતો હતો.


