૧૭મી સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬માં જન્મ દિનની ઉજવણી માટે ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં લાંબા અંતરની બાઇક રેલીઓનો પણ સમાવેશ થાય છે. એક બાઇક રેલી વડનગરથી વારાણસી જ્યારે બીજી બાઇક રેલી વારાણસીથી વડનગર સુધી કાઢવામાં આવશે. સાથે જ વડાપ્રધાન મોદીને મળેલી વિવિધ ભેટની હરાજી પણ ગુરુવારથી શરૂ કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૧૭મીએ વડનગરથી વારાણસી બાઇક રેલીને લીલીઝંડી આપશે, તેવી જ રીતે કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ વારાણસીથી વડનગરની બાઇક રેલીને લીલીઝંડી આપશે. જેમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે. વડનગર મોદીનું જન્મસ્થળ જ્યારે વારાણસી તેમનો લોકસભાનો મત વિસ્તાર છે. બાઇક રેલીઓ ઉપરાંત અન્ય સેવાકીય કાર્યો પણ કરવામાં આવશે. દિલ્હીમાં ભાજપના અધ્યક્ષ નિતિન નવીન દ્વારા પક્ષના હેડક્વાર્ટર પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

બાદમાં તેઓ અન્ય રાજ્યોમાં આયોજીત આવા જ કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે જશે. ભાજપના એક નેતાએ કહ્યું હતું કે મોદીના જન્મ દિને દેશવ્યાપી સફાઇ અભિયાન પણ ચલાવાશે. સાંજે દેશમાં આશરે ૭૦૦ જેટલા સ્થળોએ ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ વગેરે દ્વારા દિવો પ્રગટાવવાના કાર્યક્રમો યોજવામાં આવશે. વિવિધ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ દ્વારા પણ રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
બીજી તરફ વડાપ્રધાન મોદીને મળેલી વિવિધ ભેટની ઓનલાઇન હરાજીને પણ ૧૭મી તારીખે ખુલ્લી મુકવામાં આવશે. આ હરાજીમાં મોદીને મળેની આશરે ૧૫૦૦ જેટલી ભેટને વેચવામાં આવશે. આ ઇ-ઓક્શન આશરે ૩૧ ઓક્ટોબર સુધી ચાલશે. દિલ્હીમાં નેશનલ ગેલરી ઓફ મોડર્ન આર્ટ પર મોદીને મળેલી ભેટનું પ્રદર્શન પણ કરાશે.


