HomeSportsSports : ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ આજે બીજી મેચ, રોહિત શર્મા સચિન-કોહલી...

Sports : ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ આજે બીજી મેચ, રોહિત શર્મા સચિન-કોહલી ક્લબમાં જોડાઈ શકે છે; તેઓ વન-ડે ક્રિકેટમાં ૧૨,૦૦૦ રનનો આંકડો સ્પર્શવાથી માત્ર ૭૩ રન દૂર

ક્રિકેટની પિચ પર પોતાના પાવર-હિટિંગ અને શાનદાર બેટિંગથી દુનિયાભરમાં ડંકો વગાડનાર ભારતીય ઓપનર રોહિત શર્મા વધુ એક મોટા રેકોર્ડની ખૂબ જ નજીક પહોંચી ગયા છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 3 મેચોની વન-ડે સિરીઝની બીજી મેચ આજે ગુવાહાટીમાં રમાવા જઈ રહી છે. આ મેચમાં રોહિત શર્મા પાસે વન-ડે ક્રિકેટમાં 12,000 રન પૂરા કરવાની સોનેરી તક છે. જો રોહિત આ મેચમાં 73 રન બનાવી લે છે તો તે આ મહાન આંકડા સુધી પહોંચનાર ભારતના ત્રીજા બેટ્સમેન બની જશે. આ પહેલાં આ સિદ્ધિ માત્ર ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર અને વિરાટ કોહલીએ જ હાંસલ કરી છે.

ગુવાહાટીના મેદાન સાથે રોહિત અને કોહલીની યાદગાર યાદો
ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં આ અગાઉ બે વનડે મુકાબલા રમાયા છે. ખાસ વાત એ છે કે, વર્ષ 2018માં પણ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અહીં જ વન-ડે મેચ રમાઈ હતી, જેમાં મહેમાન ટીમ દ્વારા આપવામાં આવેલા 323 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા રોહિત શર્મા અને વિરાટ કોહલીએ શાનદાર શતકો ફટકાર્યા હતા. તે મેચમાં રોહિતે અણનમ 152 રન અને કોહલીએ 140 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ભારતને આસાનીથી વિજય અપાવ્યો હતો. આજના મુકાબલામાં પણ ફેન્સ બંને દિગ્ગજો પાસેથી આવી જ શાનદાર ઇનિંગ્સની અપેક્ષા રાખી રહ્યા છે.

કુલદીપ યાદવ 200 વન-ડે વિકેટ પૂર્ણ કરવાથી માત્ર 2 કદમ દૂર
ભારતીય સ્પિન બોલિંગ આક્રમણના મુખ્ય હથિયાર એવા કુલદીપ યાદવ વનડે ક્રિકેટમાં પોતાની 200 વિકેટો પૂરી કરવાથી માત્ર 2 વિકેટ દૂર છે. જો તે આ મેચમાં બે વિકેટ ઝડપી લે છે, તો વનડે ફોર્મેટમાં 200 કે તેથી વધુ વિકેટ લેનાર ભારતના 9મા બોલર બની જશે. ભારત તરફથી વનડેમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ દિગ્ગજ લેગ સ્પિનર અનિલ કુંબલે (334 વિકેટ)ના નામે નોંધાયેલ છે. કુલદીપ સિવાય વર્તમાન સમયમાં રવીન્દ્ર જાડેજા (232 વિકેટ) અને મોહમ્મદ શમી (206 વિકેટ) આ યાદીમાં આગળ ચાલી રહ્યા છે.

વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતનું પલડું ભારે
આંકડાઓ પર નજર કરીએ તો, વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી છેલ્લી 12 વનડે મેચોમાંથી ભારતે 11 મેચોમાં શાનદાર વિજય મેળવ્યો છે, જ્યારે વિન્ડીઝની ટીમને માત્ર 1 જ મેચમાં જીત મળી શકી છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધી કુલ 143 વનડે રમાયા છે, જેમાં ભારતે 73 અને વેસ્ટ ઇન્ડિઝે 64 મેચો જીતી છે. બીજી તરફ, મેચ પહેલા વેસ્ટ ઇન્ડિઝની ટીમને મોટો ઝટકો લાગ્યો છે કેમ કે ગત મેચમાં શાનદાર સદી (101 રન) ફટકારનાર ઓપનર ગ્રેવ્સ ઈજાગ્રસ્ત થવાના કારણે આ મુકાબલામાંથી બહાર થઈ ગયા છે.

ગુવાહાટીની પિચ અને હવામાનની સ્થિતિ
બરસાપારા સ્ટેડિયમની પિચ હંમેશાં બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે અને અહીં અગાઉ રમાયેલી મેચોમાં ઉચ્ચ સ્કોર જોવા મળ્યા છે. આજની મેચમાં પણ બંને ઇનિંગ્સમાં 300 કે તેથી વધુ રન બનવાની પૂરી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુવાહાટીમાં મેચ દરમિયાન વાતાવરણ ગરમ અને ઉમ્સ ભરેલું રહી શકે છે તેમજ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેવાનો અંદાજ છે

સંભવિત પ્લેઇંગ-11 અને ટીમ વ્યૂહરચના
ભારતીય ટીમ મેનેજમેન્ટ આ મેચમાં વિજય મેળવીને સિરીઝ પર કબ્જો જમાવવાના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે. ટીમમાં શુભમન ગિલ (કપ્તાન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કે.એલ. રાહુલ અને રવીન્દ્ર જાડેજા જેવા અનુભવી ખેલાડીઓ મોરચો સંભાળશે. ઝડપી બોલિંગમાં મોહમ્મદ સિરાજને પ્લેઇંગ-11માં તક મળી શકે છે, જેના કારણે ટીમ સંયોજનમાં નાના-મોટા ફેરફારો જોવા મળી શકે છે.

વેસ્ટ ઇન્ડિઝ: શાઈ હોપ (કેપ્ટન-વિકેટકીપર), જ્હોન કેમ્પબેલ, કેસી કાર્ટી, અમીર જાંગૂ, શેર્ફેન રદરફોર્ડ, જેવેલ એન્ડ્ર્યુ, રૉસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, ગુડાકેશ મોતી, અલ્ઝારી જોસેફ, જેયડન સીલ્સ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments