સુપ્રીમ કોર્ટે UPI પેમેન્ટ પર 0.4% ચાર્જ લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. 15 ઓક્ટોબરથી આ ચાર્જ 2,000 રૂપિયાથી વધુના મર્ચન્ટ પેમેન્ટ પર લાગુ થશે. જોકે, કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો છે કે આ નવા નિયમને લાગુ કરવાનો આધાર શું છે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ત્રણ જજોની બેન્ચે વકીલ અંજન દત્તાની જનહિત અરજી પર સુનાવણી કરતાં આ આદેશ આપ્યો.
સલાહ અને નક્કર કાયદા વિના ફી વસૂલવાનો આરોપ
અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરકારે જનતા સાથે ચર્ચા કર્યા વિના અને કોઈ નક્કર નિયમ બનાવ્યા વિના જ આ ફી નક્કી કરી દીધી. આ ઉપરાંત, ‘પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007’ની એક જોગવાઈ (કલમ 10A)ને પણ કોર્ટમાં પડકારવામાં આવી છે. આરોપ છે કે આ જોગવાઈ સરકારને પોતાની મરજીથી એ નક્કી કરવાની છૂટ આપે છે કે કઈ ડિજિટલ પેમેન્ટ સેવા મફત રહેશે અને કઈ સેવા પર ચાર્જ લાગશે.સરકાર તરફથી ASG એન. વેંકટરમણે કહ્યું કે સામાન્ય લોકો એકબીજાને પૈસા મોકલે ત્યારે કોઈ ચાર્જ લાગશે નહીં. દેશભરની આશરે 96% નાની-મોટી દુકાનોમાં થતા વ્યવહારો પર પણ તેની કોઈ અસર નહીં પડે.

UPI ચાર્જના નવા નિયમો: વેપારીઓ પર શું અસર પડશે?
મોટા વેપારીઓ પર 0.4% ચાર્જ: જે વેપારીઓનું માસિક UPI કલેક્શન ₹1 લાખથી વધુ છે, તેમને ₹2,000થી મોટી દરેક ચુકવણી પર 0.4% MDR અને GST ચૂકવવો પડશે.
નાના વેપારીઓને છૂટ: જે દુકાનદારોની માસિક UPIથી થતી કુલ આવક ₹1 લાખ સુધી છે, તેમના માટે તમામ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે મફત રહેશે, ભલે ચુકવણી ₹2,000થી વધુ હોય.
કેટેગરી બદલવાનો નિયમ: જો કોઈ નાનો વેપારી સતત 3 મહિના સુધી ₹1 લાખથી વધુની UPI ચુકવણીઓ સ્વીકારે છે, તો બેંક તેને મોટા વેપારીઓની યાદીમાં સામેલ કરશે અને ત્યારથી તેના પર પણ ચાર્જ લાગુ થશે.
₹2,000 સુધીનું વેચાણ મફત: મોટા વેપારીઓને પણ ₹2,000 અથવા તેનાથી ઓછી રકમની નાની ચુકવણીઓ પર કોઈ ફી ચૂકવવી પડશે નહીં.
મહત્તમ ફી નક્કી: ₹75,000 અથવા તેનાથી વધુના પેમેન્ટ પર વેપારી પાસેથી વધુમાં વધુ ₹300 અને GST જ લેવામાં આવશે.
મર્યાદા દરેક પેમેન્ટ પર લાગુ: ₹2,000ની મર્યાદા દિવસભરના કુલ વેચાણ પર નહીં, પરંતુ દરેક પેમેન્ટ (બિલ) માટે અલગથી લાગુ પડશે.
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ શું હોય છે?
MDR એ એવી ફી છે, જે કોઈ દુકાનદાર અથવા વેપારી કાર્ડ અથવા UPIથી પેમેન્ટ સ્વીકારવાની સુવિધાનો ઉપયોગ કરવા બદલ બેંક અને પેમેન્ટ કંપનીઓને આપે છે.
આ ચાર્જ પેમેન્ટ સિસ્ટમ અને મશીનોને યોગ્ય રીતે ચલાવવાના ખર્ચ માટે લેવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ ફી વેપારીએ ચૂકવવાની હોય છે, ગ્રાહક પાસેથી લેવામાં આવતી નથી.


