HomeIndiaNational : ભારતીય પાઇલટે વિમાન દુર્ઘટના ટાળી; છરી લઈને હુમલો કરનાર સહ-પાઇલટનો...

National : ભારતીય પાઇલટે વિમાન દુર્ઘટના ટાળી; છરી લઈને હુમલો કરનાર સહ-પાઇલટનો સામનો કર્યો; વિમાનમાં ૧૮૦ લોકો હતા સવાર

દુબઈથી ઈઝરાયલ જઈ રહેલી જે ફ્લાઈટને હાઈજેક કરવાનો પ્રયાસ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તે ફ્લાઈટને લઈને એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. અહેવાલ અનુસાર, જે વિમાનને કથિત રીતે હાઈજેક કરીને ક્રેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેના પાયલટ ભારતીય મૂળના હતા. ઈઝરાયલના વાયનેટ ન્યૂઝ અને ચેનલ 12એ આ માહિતી આપી છે.

ઓમાની પાયલોટે આ પાયલોટ પર ચાકુથી હુમલો કર્યો

હાલની માહિતી અનુસાર, ઓમાની પાયલોટે આ પાયલોટ પર ચાકુથી હુમલો કર્યો હતો. ત્યારબાદ ઘાયલ હાલતમાં પણ આ પાયલોટે ઓમાની પાઈલટનો સામનો કર્યો અને વિમાનમાં સવાર 180 મુસાફરોના જીવ બચાવવામાં મદદ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ડ્યુટી પર ન હોય તેવા પાયલોટોએ કરાવ્યું લેન્ડિંગ

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટને એવા પાયલોટોએ લેન્ડ કરાવી હતી, જેઓ તે સમયે ડ્યુટી પર નહોતા અને મુસાફરો સાથે પ્રવાસ કરી રહ્યા હતા.પ્રારંભિક અહેવાલો અનુસાર, ભારતીય કેપ્ટન પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે હુમલાખોરનો સામનો કર્યો હતો. જેના કારણે પ્લેન ક્રેશ થતું અટક્યું અને 180થી વધુ લોકોના જીવ બચી શક્યા હોવાનું જણાવાયું છે. આ મુસાફરોમાં મોટાભાગના ઈઝરાયલી હતા અને તેમાં 27 બાળકો પણ સામેલ હતા.

ભારતીય મૂળના પાયલટ અંગે અલગ-અલગ માહિતી અહેવાલ અનુસાર પાયલટ ભારતીય મૂળના છે, જ્યારે વાયનેટ ન્યૂઝે તેમને ભારતીય નાગરિક ગણાવ્યા છે. બીજી તરફ, જે ઓમાની કો-પાઈલટ પર પ્લેન ક્રેશ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે, તેને ઈઝરાયલ જતી ફ્લાઈટ ઉડાવવાની મંજૂરી કેવી રીતે મળી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.ઓમાની કો-પાયલોટને ઈઝરાયલ જવાની મંજૂરી કેવી રીતે મળી?
અહેવાલ અનુસાર ઈઝરાયલના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવા અથવા ઈઝરાયલમાં લેન્ડિંગની મંજૂરી આપવામાં આવે તે પહેલાં તમામ વિદેશી ક્રૂ સભ્યોની કડક અને વ્યક્તિગત સુરક્ષા તપાસ તથા સ્ક્રીનિંગ કરવામાં આવે છે. ખાસ કરીને અરબ અથવા ગલ્ફ દેશોના ક્રૂ સભ્યોની તપાસ વધુ કડક રીતે કરવામાં આવે છે. હવે તપાસ એ દિશામાં પણ થઈ રહી છે કે આરોપી ઓમાની કો-પાયલટને ઈઝરાયલ જતી ફ્લાઈટમાં ઉડાન ભરવાની મંજૂરી કેવી રીતે મળી.

‘મોટો હુમલો ટળી ગયો’
ચેનલ 12ના ડિજિટલ પ્લેટફોર્મ ‘એન12’ સાથે વાત કરનારા એક ઈઝરાયલી અધિકારીએ ઘટનાની ગંભીરતા અંગે માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે એક મોટા હુમલાને ટાળી દેવામાં આવ્યો.

9/11 જેવા હુમલાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો
અહેવાલ મુજબ અધિકારીએ કહ્યું કે એક પાયલટે બીજા પાયલટને ચાકુ માર્યું અને 9/11 જેવા હુમલાનો પ્રયાસ કર્યો. એટલે કે કાં તો પ્લેનને હાઈજેક કરીને જમીન પર ઉતારવાનો અથવા તેને ક્રેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની આશંકા છે.

મુસાફરની માતાએ સંભળાવી ઘટનાની કહાની
મુસાફર મિરયમ શિરા ઓહાયોનની માતા યાસ્મીન અબુકાસિસે જણાવ્યું કે તેમની પુત્રીએ સાઉદી અરેબિયાથી તેમને ફોન કર્યો હતો.તેમની પુત્રીએ જણાવ્યું હતું કે એક પાયલટે બીજા પાયલટને ચાકુ મારવાનો પ્રયાસ કર્યો હતો અને વિમાનમાં ચીસો સાંભળાઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું કે એક અન્ય મુસાફર કોકપિટમાં ગઈ હતી અને ત્યાં ઘણું લોહી જોયું હતું. ત્યારબાદ તેણે મદદ માટે બૂમો પાડી અને કેટલાક લોકો કોકપિટમાં ગયા તથા તે વ્યક્તિને પકડી લીધો.

લોહીલુહાણ મુસાફરે બનાવ્યો વીડિયો
વાયનેટના અહેવાલ અનુસાર, હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદ કરનારા એક ઈઝરાયલી મુસાફરે બુધવારે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને સમગ્ર સંઘર્ષ અંગે માહિતી આપી હતી. આ મુસાફરે હવામાં જ આ વીડિયો બનાવ્યો હતો. તે સમયે વિમાન સાઉદી અરેબિયામાં ઈમરજન્સી લેન્ડિંગની તૈયારી કરી રહ્યું હતું અને તેના ચહેરા પર લોહી જોવા મળતું હતું. વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે તેઓ હાઈજેકની સ્થિતિમાં છે અને આતંકવાદીઓને કાબૂમાં લઈ લેવામાં આવ્યા છે. તેણે મદદની જરૂર હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે તેઓ તબુકમાં લેન્ડિંગ કરી રહ્યા છે, જે સાઉદી અરેબિયામાં ક્યાંક આવેલું સ્થળ છે અને તેમના માટે અજાણ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments