વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના સંકુલમાં જ આવેલી અમ્યુકો સંચાલિત શ્રીમતી નાથાભાઈ હરગોવનદાસ લખમીચંદ મ્યુનિસિપલ હોસ્પિટલમાં નોકરીમાં કામ કર્યા વિના ૧૧ વર્ષ સુધી પગાર લેનારા રસિક વાઘેલાને નોટિસ આપવામાં આવી છે. તેમની પાસે ૧૧ વર્ષનો પગાર રિકવર કરવાની ચર્ચાએ પણ જોર પકડયું છે. બીજીતરફ મગનલાલ વાઘેલાને પણ ડયૂટીમાં અનિયમિત રહેવા બદલ નોટિસ આપીને તેમની સામે રિપોર્ટ કરવાની ચિમકી આપતી નોટિસ આપવામાં આવી છે.
આમ તો મેડિકલ કૉલેજના ૨૨ જેટલા કર્મચારી એટ્રોસિટી કરવાની ધમકી આપી આપીને ડિપાર્ટમેન્ટના વડાને ધમકાવતા રહેતા હતા અને કામ કરવાનું ટાળતા હતા. મસ્ટરમાં સહી કરીને પલાયન થઈ જતાં હતા.અત્યારે તેમાંથી સૌથી વધુ માથાભારે ગણાતા બે જણને નોટિસ આપીને તમામ ૨૨ કર્મચારીઓને નિયમિત કામ કરવાની સૂચનાઓ અપાઇ રહી છે. તેમની હાજરીના રેકોર્ડની ચકાસણી ચાલુ કરી દેવામાં આવી છે. છેલ્લા ઘણાં વર્ષથી ડિપાર્ટમેન્ટના વડાઓની સૂચના અને આદેશને અવગણીને ૨૨ જેટલા કર્મચારીઓ અને યુનિયનના નેતાઓ મનમાની કરતાં રહ્યા હતા. તેમની સામે ફરિયાદ કરનારને એટ્રોસિટીમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવતી હતી. તેથી સતત ડરતાં ડિપાર્ટમેન્ટના વડાઓએ આખરે તેમની સામે પગલાં લેવાનું ચાલુ કરી દીધું છે.