HomeGujaratAhmedabadAhmedabad : અમદાવાદનો અનોખો વાહનચોર: એક્ટિવામાં પેટ્રોલ પૂરું થાય એટલે રસ્તામાં જ...

Ahmedabad : અમદાવાદનો અનોખો વાહનચોર: એક્ટિવામાં પેટ્રોલ પૂરું થાય એટલે રસ્તામાં જ છોડી દેતો, અંતે આરોપી ઝડપાયો

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. તાજેતરમાં ઝોન-5 LCB દ્વારા એક મહત્વની સફળતા મેળવતા, શહેરના વિવિધ વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરતા એક રીઢા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી શહેરના કુલ 9 પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા 14 જેટલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

વધુમાં ઝોન 5 ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં આરોપી વિકાસ ત્રિવેદીની ચોરી કરવાની પદ્ધતિ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપી ખાસ કરીને મેટ્રો સ્ટેશન નીચે પાર્ક કરેલા એક્ટિવાને નિશાન બનાવતો હતો અને લોખંડના સળિયા વડે તેનું લોક તોડી નાખતો હતો.

નવાઈની વાત એ છે કે, આરોપી આ વાહનો વેચવા માટે નહીં પણ માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચોરતો હતો. જ્યારે એક્ટિવામાં પેટ્રોલ પૂરું થઈ જાય, ત્યારે તે વાહનને બ્રિજ નીચે કે અવાવરુ જગ્યાએ બિનવારસી હાલતમાં છોડી દઈ બીજા વાહનની ચોરી કરતો હતો.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ લાંબો છે, જેમાં અગાઉ તેના પર વાહન ચોરીના 8 અને લૂંટનો 1 ગુનો નોંધાયેલો છે. મેટ્રો સ્ટેશનો પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં આ કેસમાં આખી કરતુત રેકોર્ડ થઈ હતી. ખાસ કરીને અમરાઈવાડી મેટ્રો સ્ટેશનના ફૂટેજને આધારે પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી. હાલ પોલીસે કુલ 14 એક્ટિવા રિકવર કર્યા છે અને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments