અમદાવાદનો ફ્લાવર શો બન્યો આકર્ષણનું કેન્દ્ર અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી મુલાકાતીઓ આવ્યા છે, મોટી સંખ્યામાં મુલાકાતીઓ ફ્લાવર શોમાં ઉમટ્યા અને ત્રણ દિવસમાં 90 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી, PM મોદી પણ ફ્લાવર શોની મુલાકાત લે તેવી શક્યતા છે.
આ પ્રદર્શનમાં ‘સ્ત્રી સશક્તીકરણ’ની થીમ પર તૈયાર કરવામાં આવેલા સ્કલ્પચરનું પણ મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ કરાયું હતું. વધુમાં, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા માટેના યોગદાનને સન્માન આપતું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરાયું છે. તદુપરાંત, યુનેસ્કો દ્વારા જાહેર ‘વિશ્વની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર- દિવાળી’ પર વિશેષ કૃતિ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉલ્લેખનીય છે કે, પ્રદર્શનના વિવિધ ઝોન ભારતના અલગ-અલગ આયામોને ઉજાગર કરશે.

જેમાં પ્રાચીન જ્ઞાન, ઉત્સવોનો ઉલ્લાસ, કલાત્મક તેજસ્વિતા અને આધુનિક વિકાસની ગાથા સામેલ છે. મુલાકાતીઓને એક ઝોનમાંથી બીજા ઝોનમાં આગળ વધવાની સાથે પ્રાચીનથી અર્વાચીન ભારતની સમગ્ર સમયયાત્રાનો અનુભવ થશે. અહીં ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને નજીકથી અનુભવી શકશે. વધુમાં, ખાસ ઑડિયો ગાઇડ પણ બનાવવામાં આવ્યા છે. ફ્લાવર શૉમાં વિવિધ સ્થળ પર ક્યૂઆર કોડ સ્કેન કરી ફૂલ, સ્કલ્પચર અને ઝોન વિષેની માહિતી મેળવી શકાશે. આ સિવાય, સોવેનિયર શોપ, નર્સરી, ચાઇલ્ડ કૅર યુનિટ ઉપરાંત ફૂડ સ્ટોલ મુલાકાતીઓનાં આકર્ષણનાં કેન્દ્ર બની રહેશે.


