અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટી (FRC) કમિટી દ્વારા શહેરની જાણીતી ઉદગમ સ્કૂલ અને સત્વવિકાસ સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે. આ સ્કૂલ દ્વારા પ્રિ-પ્રાઈમરી વિભાગની ફી મંજૂર કરાવ્યા વગર જ વાલીઓ પાસેથી વસૂલાત કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી. નોંધનીય છેકે, કે, FRCના નિયમો મુજબ, કોઈપણ શાળાએ ફી લેતા પહેલા કમિટી પાસે મંજૂરી મેળવવી જરૂરી છે. વાલીઓની રજૂઆતને ધ્યાને લઈને કમિટીએ બંને શાળાઓ પાસે આ ગેરરીતિ અંગે લેખિતમાં જવાબ માંગ્યો છે. જેને લીધે સ્કૂલ સંચાલકમાં ફફડાટ મચી ગયો છે.
અમદાવાદ સિટી DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘FRC એક્ટ 2017 મુજબ જો કોઈ પ્રિ-પ્રાઈમરી સ્કૂલ મુખ્ય શાળાના કેમ્પસમાં જ ચાલતી હોય, તો તેનું રજિસ્ટ્રેશન થયું હોય કે ન હોય, તેની ફી મંજૂર કરાવવી કાયદેસર રીતે ફરજિયાત છે. ઘણી શાળાઓ રજિસ્ટ્રેશન ન હોવાનું બહાનું ધરીને પોતાની રીતે ફી વસૂલતી હોય છે, પરંતુ નિયમ મુજબ આવી તમામ શાળાઓએ ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ દરખાસ્ત કરવી જ પડે છે. ઉદગમ અને સત્વવિકાસ સ્કૂલના કિસ્સામાં પણ એક જ કેમ્પસમાં પ્રિ-સ્કૂલ ચાલતી હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન જણાતા આ કાર્યવાહી કરવામાં આવી છે.’

શિક્ષણ વિભાગના જણાવ્યાનુસાર, અગાઉ પણ ફી મંજૂર કરાવ્યા વગર ઉઘરાણાં કરતી શાળાઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે, જેમાં કેટલીક શાળાઓને રૂપિયા પાંચ લાખ સુધીનો મસમોટો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. હાલમાં આ બંને શાળાઓના ખુલાસાની રાહ જોવાઈ રહી છે. જો શાળાઓ તરફથી સંતોષકારક જવાબ નહીં મળે અથવા નિયમોનો ભંગ સાબિત થશે, તો FRC દ્વારા દંડ અને અન્ય કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.


