અમદાવાદીઓ સમગ્ર વર્ષ દરમિયાન ભારતમાં શિરમોર ગણાતા જમ્મુ- કાશ્મીરથી માંડીને દક્ષિણમાં છેક તળિયે સમુદ્ર કિનારે આવેલા કેરળમાં ઉગતા શાકભાજી આરોગતા રહે છે. જો કે અત્યારે ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, અને શિયાળામાં મળતા તમામ પ્રકારના શાકભાજીના ભાવો પણ આસમાને પહોચ્યા છે ત્યારે એ જાણવું પણ ભારે રસપ્રદ થઇ પડશે કે ગુજરાતીઓ જે જે શાકભાજી આરોગે છે તે છેક ક્યાં ક્યાંથી આવે છે.
અમદાવાદીઓ અને આજુબાજુના લોકો જે વટાણા અને ફણસી આરોગે છે તે છેક જમ્મુ- કાશ્મીરથી આવે છે. તેવી જ રીતે આદુ, કાચી કેરી અને લીંબુ આરોગે છે તે કેરાલા-આંધ્રપ્રદેશ અને કર્ણાટકથી અમદાવાદમાં આવે છે. તેવી જ રીતે અમદાવાદીઓ જે દૂધી આરોગે છે તે છેક છત્તીસગઢથી આવે છે. જ્યારે કરેલા, કાકડી અને મરચા હરિયાણાથી અહી આવે છે. તો હિમાચલથી પણ અહી વટાણા અને ફણસી આવતી રહે છે.

તેવી જ રીતે સૂકી ડુંગળી, ગવાર, કોથમીર, લીલી ડુંગળી, સરગવો, વાલોર, તુરિયા, લીલી મગફળી, કોબીજ, ફુલાવર, બીટ, શક્કરિયા, ટીન્સા, ગોલર મરચા, કાકડી, મકાઈ, કોળું, કોથમીર અને ટામેટા મહારાષ્ટ્રથી આવે છે. જ્યારે પંજાબથી બટાકા,દેશી મરચા અને ટામેટા તથા કોથમીર આવતા રહે છે.
આ ઉપરાંત મધ્ય પ્રદેશથી શિંગોડા, ફુદીનો, સૂકું લસણ, કરેલા, મકાઈ, લીંબુ, મકાઈના ભુટ્ટા, અડવી અને રીંગણ તથા સૂકી ડુંગળી આવતી રહે છે. રાજસ્થાનમાંથી સરગવો, ભુટ્ટા, ગવાર, મૂળા, સુકું લસણ અને ગાજર તથા આંબળા આવતા હોય છે. દેશની રાજધાની દિલ્હીથી ટામેટા, વટાણા, ફણસી, ગાજર અને ઘોલર મરચા તેમજ કોબીજ અને ફુલાવર આવે છે.
સ્થાનિક કક્ષાએથી ભાવનગરથી ડુંગળી, જામનગરથી મરચા અને દેશી મકાઈ, પોરબંદરથી કંકોડા, છોટા ઉદેપુરથી ભીંડા, કાકડી, કોલા, રીંગણ તેમજ બોટાદથી ભીંડા, ગવાર, ચોળી, સરગવો, લીંબુ, દુધી, અને તુવેર આવે છે. વલસાડથી કાચી કેરી, લીલી હળદળ, કેળા, ગીલોડા, પરવળ, સૂરણ અને રાજકોટથી કોથમીર, લીલી ડુંગળી, મેથી, લીલું લસણ તેમજ બીટ આવતું રહે છે.
જ્યારે ઉત્તર ગુજરાતના પાટણ, હિમતનગર અને ડીસા–પાલનપુર બાજુથી બટાકા,ગવાર, ચોળી, કરેલા, પાપડી, રીંગણ, રવૈયા, ગાજર, ભીંડા, દેશી મરચા અને કોળું, મોગરી, મેથી આવે છે. અમદાવાદ જીલ્લામાંથી સવા પાલક, તુરિયા, મેથી, તાંદરજો, ગલકા, તુવેર અને ટામેટા આવે છે. નવસારીથી સૂરણ અને બોરસદથી કાચા પપૈયા અમદાવાદીઓ બારેમાસ આરોગતા રહે છે.
અમદાવાદીઓ વર્ષના બાર મહિનામાં કુલ અઢી કરોડ કિલો કરતા પણ વધુ આદુ ઝાપટી જાય છે, જ્યારે 23 કરોડ કિલો ડુંગળી અને 20 કરોડ કિલો કરતા પણ વધુ વિવિધ પ્રકારના બટાકા આરોગી જાય છે. ઉપરાંત બે કરોડ કિલો જેટલું લસણ અને ચાર કરોડ કિલોથી પણ વધારે મરચા ઝપટે છે.અમદાવાદની જમાલપુર ખાતેની મુખ્ય શાક માર્કેટમાં વર્ષ દરમિયાન સરેરાશ 2800થી ત્રણ હજાર કરોડનું વિવધ પ્રકારની શાકભાજીનું વેચાણ થતું રહે છે. અમદાવાદમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી જુદા જુદા પ્રકારના શાકભાજી આવતા રહે છે.


