અમદાવાદના કાલુપુર રેલવેના એક સફળ પ્રયોગે સાબિત કર્યું છે કે માત્ર 20 રૂપિયામાં પણ એરપોર્ટ જેવો આલીશાન અનુભવ મળી શકે છે. છેલ્લા ત્રણ મહિનામાં 1 લાખથી વધુ મુસાફરોએ સ્ટેશનના એસી વેઇટિંગ હોલનો લાભ લીધો છે.
કાલુપુર સ્ટેશનનો એસી વેઇટિંગ હોલ હાલ મુસાફરોની પહેલી પસંદ બન્યો છે. પશ્ચિમ રેલવેના આંકડા મુજબ, દરરોજ હજારો મુસાફરો પ્લેટફોર્મ પર પ્રતીક્ષા કરવાને બદલે આ સુવિધાજનક હોલ પસંદ કરી રહ્યા છે. માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં થયેલી 25 લાખની કમાણી આ પ્રોજેક્ટની ભવ્ય સફળતાનો પુરાવો છે.

શાવર, સ્વચ્છ શૌચાલય, ન્યૂઝ પેપર અને ફૂડ કેન્ટીન જેવી સુવિધાઓથી સજ્જ આ હોલ મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. અહીં મહિલાઓ માટે અલગ બેઠક વ્યવસ્થા અને નાના બાળકો માટે ‘બેબી-કેર રૂમ’ની વિશેષ સગવડ પણ ઉપલબ્ધ છે. નાગપુરના વેપારી હોય કે સ્થાનિક મુસાફર, દરેક વ્યક્તિ અહીંની સ્વચ્છતા અને આરામદાયક સોફાના વખાણ કરી રહ્યા છે. મધ્યમ વર્ગના મુસાફર માટે 20 રૂપિયાનું આ રોકાણ મુસાફરીનો તમામ થાક ઉતારી દે છે.
આ અભૂતપૂર્વ પ્રતિસાદને જોતા, ભારતીય રેલવે આગામી દિવસોમાં અન્ય મોટા શહેરોમાં પણ આવા જ કિફાયતી એસી હોલ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. રેલવેનો આ બદલાતો ચહેરો સામાન્ય માનવીની સફરને વધુ સુખદ અને ગૌરવશાળી બનાવી રહ્યો છે.


