અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સસ્તા ભાવના દારૂને મોંઘી બ્રાન્ડની બોટલોમાં ભરીને વેચવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેનો પતિ હાલ ફરાર છે. ઓઢવ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અરિહંતબાગ સોસાયટીના એક મકાનમાં નકલી દારૂ બનાવવાનું નેટવર્ક ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે 19 જાન્યુઆરીએ દરોડો પાડ્યો હતો.

આ દરમિયાન પોલીસે ઘટનાસ્થળ પરથી 40 વર્ષીય લક્ષ્મીબેન શાહની ધરપકડ કરી છે. જ્યારે સહ-આરોપી અને તેનો પતિ અલ્પેશભાઈ કનુભાઈ શાહ નાસી છૂટવામાં સફળ રહ્યો છે. આ દંપતી મોંઘી અને પ્રીમિયમ બ્રાન્ડની ખાલી બોટલો મેળવી લેતા હતા, જેમાં તેઓ સસ્તો ઇંગ્લિશ દારૂ ભરીને, નકલી ઢાંકણા અને સ્ટીકરો લગાવીને ગ્રાહકોને ઊંચા ભાવે અસલી કહીને પધરાવી દેતા હતા. આ દરોડામાં પોલીસે કુલ ₹2.2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એટલું જ નહીં, આ દંપતિ પાસેથી જાણીતી લિકર બ્રાન્ડની 30 બોટલો, નકલી ઢાંકણા અને સ્ટીકરો પણ મળી આવ્યા છે. આ સિવાય પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલો આશરે 33 લિટર છૂટક દારૂ પણ જપ્ત કરાયો છે.


