અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા જાણીતા પેલેડિયમ મોલમાં ક્રિસમસની સજાવટને લઈ મોટો વિવાદ સર્જાયો હતો. ભગવા સેનાના 4 થી 5 કાર્યકર્તાઓ અચાનક મોલમાં ધસી આવ્યા હતા અને ક્રિસમસની ઉજવણીના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ કાર્યકરોએ મોલના પરિસરમાં મુકવામાં આવેલા વિશાળ ક્રિસમસ ટ્રીને હટાવી દીધા હતા અને અન્ય ક્રિસમસ સંબંધિત સજાવટના સાધનોમાં પણ તોડફોડ કરી હતી. અચાનક થયેલા આ હોબાળાને કારણે મોલમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકો અને મુલાકાતીઓમાં ભારે અફરાતફરી અને ફફડાટ જોવા મળ્યો હતો.

આ ઘટનાની જાણ થતાં જ મોલના સિક્યુરિટી સ્ટાફ અને મેનેજમેન્ટમાં દોડધામ મચી ગઈ હતી. ભગવા સેનાના કાર્યકરોનો આક્ષેપ હતો કે ભારતીય સંસ્કૃતિમાં વિદેશી તહેવારોનું આ પ્રકારનું પ્રદર્શન યોગ્ય નથી. તોડફોડની આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં કાર્યકરો ક્રિસમસ ટ્રી નીચે પાડતા નજરે પડે છે. પોલીસે આ મામલે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને મોલની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. તહેવારની મોસમમાં બનેલી આ ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી છે.


