ખોખરા પોલીસે દારૂડિયાને પકડતા અનાયાસે જ આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર કૌભાંડનો પર્દાફાશ થયો છે. જ્યાંથી વિદેશી નાગરિકોને ધમકાવીને કરોડો રૂપિયા અને સોનું પડાવવાનું નેટવર્ક ચાલતું હતું.
અમદાવાદની ખોખરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક દારૂડિયાને પકડતા અનાયાસે જ આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર કૌભાંડનો પર્દાફાશ થયો છે. સામાન્ય નશાબંધીના કેસમાંથી શરૂ થયેલી તપાસ છેક મુંબઈ અને પુણે સુધી પહોંચી છે, જ્યાંથી વિદેશી નાગરિકોને ધમકાવીને કરોડો રૂપિયા અને સોનું પડાવવાનું નેટવર્ક ચાલતું હતું.
ખોખરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્વિમિંગ પૂલ પાસે રોકી મેકવાન નામનો શખ્સ નશાની હાલતમાં લથડિયા ખાતો મળી આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી જડતી લેતા તેની પાસેથી બે અત્યંત મોંઘાદાટ સ્માર્ટફોન મળી આવ્યા હતા. એક સામાન્ય દેખાતા શખ્સ પાસે આવા મોંઘા ફોન જોઈ પોલીસને શંકા ગઈ. ફોન ચેક કરતા તેમાં મુંબઈ અને પુણેમાં ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટરોની વિગતો અને વિદેશી નાગરિકો સાથેની ચેટ મળી આવી હતી.

તપાસમાં સામે આવ્યું કે આ ટોળકી વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરતી હતી. આરોપીઓ વિદેશીઓને ફોન કરી પોતે FTC (Federal Trade Commission) ઓફિસર હોવાની ઓળખ આપતા. તેઓ જણાવતા કે તમારા નામે ગેરકાયદેસર વસ્તુઓનું પાર્સલ આવ્યું છે.ધરપકડનો ડર બતાવી તેઓ રૂપિયા પડાવતા. આશ્ચર્યજનક વાત એ છે કે અમેરિકામાં રહેતો તેમનો એક સાથીદાર ભોગ બનનારના ઘરે રૂબરૂ જઈને રોકડ અથવા સોનું લઈ આવતો હતો.વિદેશમાં પડાવેલા આ નાણાં અને સોનું હવાલા મારફતે ભારત મોકલવામાં આવતું હતું. ઝડપાયેલ રોકી મેકવાન આ ટીમનો ‘ટીમ લીડર’ હોવાનું ખુલ્યું છે.
પોલીસે રોકી મેકવાન સહિત કુલ 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેમાં પાર્થ ગઢવી, સુજીત, પવન, લૂકા અને ભૂરા આહીરના નામ સામે આવ્યા છે. ફરાર આરોપી પાર્થ ગઢવી અગાઉ ગુજરાત ATS દ્વારા હથિયારોના કેસમાં પણ ઝડપાઈ ચૂક્યો છે. આ ગુનાહિત ઈતિહાસ ધરાવતી ગેંગ હવે અન્ય રાજ્યોમાં બેસીને સાયબર ફ્રોડ કરી રહી છે. અમદાવાદ અને ગુજરાતમાં પોલીસની કડકાઈને કારણે કોલ સેન્ટર સંચાલકો હવે મુંબઈ અને પુણે જેવા શહેરોમાં શિફ્ટ થયા છે. ખોખરા પોલીસે ફરાર પાંચ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ તપાસમાં હવાલા નેટવર્ક અને અન્ય કેટલા વિદેશી નાગરિકો ભોગ બન્યા છે તેના મોટા ખુલાસા થવાની શક્યતા છે.


