E-Paper
Wednesday, March 11, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : ગરમીના પ્રકોપમાં ખોખરાનો નવો નકોર રોડ પીગળ્યો, વાહનચાલકો પરેશાન

Ahmedabad : ગરમીના પ્રકોપમાં ખોખરાનો નવો નકોર રોડ પીગળ્યો, વાહનચાલકો પરેશાન

કાળઝાળ ગરમી માટે જાણીતા અમદાવાદ શહેરમાં આ વર્ષે માર્ચ માસના પ્રથમ પખવાડિયામાં જ સૂર્યદેવતાએ આકરો મિજાજ દેખાડવાનું શરૂ કરી દીધું છે. શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા જ તેની સીધી અસર જનજીવનની સાથે શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ જોવા મળી રહી છે. પૂર્વ અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગત જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બનેલો નવો રોડ ગરમીના કારણે પીગળવા લાગતા કોર્પોરેશનની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.

ખોખરા વોર્ડમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સુભાષ ચોક ચાર રસ્તાથી હાટકેશ્વર શનિ મહારાજ મંદિર સુધીના આશરે પોણો કિલોમીટરના માર્ગ પર હજુ બે મહિના પહેલા જ ડામરનો નવો રોડ બનાવવામાં આવ્યો હતો. રોડને વધુ મજબૂત અને લિસ્સો બનાવવા માટે તેના પર ડામરનું ખાસ પડ પાથરવામાં આવ્યું હતું. પરંતુ, ઉનાળાની શરૂઆતમાં જ તાપમાન વધતા આ ડામર પીગળીને સપાટી પર આવી ગયો છે.

આકાશમાંથી વરસતી ગરમીના કારણે ડામર પીગળતા રોડ પરથી પસાર થતા રાહદારીઓના ચંપલ રોડ પર ચોંટી રહ્યા છે. એટલું જ નહીં, રસ્તા પર ઉડતી ધૂળની રજકણો અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો પણ આ પીગળેલા ડામર પર ચોંટી જતાં નવો બનેલો રોડ અત્યારથી જ બિસ્માર દેખાવા લાગ્યો છે. વાહનચાલકોને પણ લપસણા બનેલા માર્ગ પર વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સામાન્ય રીતે મે માસની કાળઝાળ ગરમીમાં આવી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચના પ્રારંભે જ ડામર પીગળવાની શરૂઆત થતા શહેરીજનો આશ્ચર્યમાં મુકાયા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે ગરમીની સાથે સાથે રોડ બનાવવામાં વપરાયેલા મટીરિયલની ગુણવત્તા પણ આ માટે જવાબદાર હોઈ શકે છે. અત્યારથી જ જો આવી સ્થિતિ હોય, તો એપ્રિલ અને મે માસમાં અમદાવાદના રસ્તાઓની હાલત કેવી થશે તેને લઈને અત્યારથી જ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments