E-Paper
Tuesday, March 10, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : ગુજરાતની રેસ્ટોરન્ટ્સમાં ઇન્કમ ટેક્સના દરોડા: બિલ બનાવીને નાશ કરનારા માલિકો...

Ahmedabad : ગુજરાતની રેસ્ટોરન્ટ્સમાં ઇન્કમ ટેક્સના દરોડા: બિલ બનાવીને નાશ કરનારા માલિકો સામે લાલ આંખ, AI પકડશે ચોરી!

ગુજરાત સહિત દેશભરની રેસ્ટોરન્ટ્સમાં ચાલતી આવકવેરા અને GSTની ચોરી ડામવા માટે આવકવેરા વિભાગે આક્રમક કાર્યવાહી શરૂ કરી છે. ગ્રાહકો પાસેથી બિલ બનાવી નાણાં વસૂલ્યા બાદ રેકોર્ડમાંથી બિલનો નાશ કરી દેવાની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. હવે આ પ્રકારની ડિજિટલ ચોરી પકડવા માટે ઈન્કમ ટેક્સ વિભાગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને બિગ ડેટા એનાલિટિક્સનો સહારો લીધો છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, અનેક રેસ્ટોરાં માલિકોએ ખાસ પ્રકારના બિલિંગ સોફ્ટવેર ડેવલપ કરાવ્યા હતા. આ સોફ્ટવેરની મદદથી રોકડમાં લેવાયેલા બિલના ડેટા સિસ્ટમમાંથી ડિલીટ કરી દેવામાં આવતા હતા. સત્તાવાર રેકોર્ડમાં માત્ર જૂજ વેચાણ જ દર્શાવીને ઇન્કમ ટેક્સ અને GSTની જવાબદારી ઘટાડી દેવામાં આવતી હતી. ટેક્સ રિટર્ન ફાઈલ કરતા પહેલા છેલ્લા 30 દિવસના બિલિંગ રેકોર્ડ્સ એકસાથે સાફ કરી દેવામાં આવતા હતા, જેથી અધિકારીઓને ગેરરીતિની ગંધ ન આવે.

આવકવેરા વિભાગે અમદાવાદ સ્થિત એક મોટી સોફ્ટવેર કંપનીના ડેટા સેન્ટર પરથી અંદાજે 60 ટેરાબાઇટ (TB) જેટલો વિશાળ ટ્રાન્ઝેક્શન ડેટા જપ્ત કર્યો છે. આ સોફ્ટવેર પ્લેટફોર્મ દેશના બિલિંગ માર્કેટનો 10 ટકા હિસ્સો ધરાવે છે અને તેની સાથે દેશભરની 1.77 લાખ રેસ્ટોરન્ટ્સના આઈડી જોડાયેલા છે.

પરંપરાગત પદ્ધતિઓને બદલે હવે ટેકનોલોજી દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. લાખો ટ્રાન્ઝેક્શનનું વિશ્લેષણ કરી ક્યાં અને કેવી રીતે ડેટામાં છેડછાડ થઈ છે તે શોધવામાં આવી રહ્યું છે. અમદાવાદની ફોરેન્સિક અને એનાલિટિક્સ લેબમાં સોફ્ટવેરના કોડિંગ અને ડિલીટ થયેલા ડેટાની રિકવરી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા શંકાસ્પદ આર્થિક વ્યવહારોની પેટર્ન પકડવામાં આવી રહી છે.ગુજરાતના સાત મુખ્ય શહેરોની મોટી રેસ્ટોરન્ટ્સ અત્યારે ઇન્કમ ટેક્સના રડાર પર છે. અધિકારીઓના જણાવ્યાનુસાર, મોટા પ્રમાણમાં ડેટાના વિશ્લેષણ બાદ જે માલિકોએ જાણીજોઈને આવક દબાવી છે, તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી અને દંડની વસૂલાત કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments