પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી ‘સુમન જ્વેલર્સ’ નામની દુકાનમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના બની છે. ગ્રાહક બનીને આવેલા અજાણ્યા શખ્સોએ વેપારીની નજર ચૂકવીને આશરે 9 લાખ રૂપિયાથી વધુની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી છે. આ ઘટનાની ખાસ વાત એ છે કે ચોરી કરવા આવેલી ટોળકીમાં એક પુરુષ, બે મહિલાઓ અને એક નાનું બાળક પણ સામેલ હતું. તેઓએ સોનું ખરીદવાના બહાને વેપારીને વાતોમાં પરોવી રાખ્યો હતો અને તક મળતા જ કિંમતી ઘરેણાં પર હાથફેરો કરી ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા.

જ્યારે વેપારીએ દાગીનાના બોક્સ તપાસ્યા ત્યારે ચોરી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે આ ટોળકીએ સુનિયોજિત રીતે ચોરીને અંજામ આપ્યો હતો. વેપારીએ તાત્કાલિક પોલીસને જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વેપારી આલમમાં આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


