દક્ષિણ બોપલ વિસ્તારની 54 જેટલી સોસાયટીઓના અભૂતપૂર્વ સંકલનથી આયોજિત ‘વિરાટ હિન્દુ સંમેલન’ અત્યંત દબદબાભેર સંપન્ન થયું. આ કાર્યક્રમ માત્ર એક સંમેલન નહીં, પણ રાષ્ટ્રપ્રેમ અને સાંસ્કૃતિક એકતાનો એક મહાકુંભ સાબિત થયો.
દક્ષિણ બોપલ વિસ્તારમાં સામાજિક એકતા અને રાષ્ટ્રભાવનાના અનોખા દર્શન થયા હતા. અહીંની 54 સોસાયટીઓના સંકલિત પ્રયાસો દ્વારા એક ભવ્ય ‘વિરાટ હિન્દુ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3100થી વધુ રાષ્ટ્રપ્રેમી નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.
કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે એક દેશભક્તિ સભર બાઈક રેલી દ્વારા કરવામાં આવી હતી, જેણે સમગ્ર વિસ્તારમાં એકતાનો સંદેશ ફેલાવ્યો હતો. ત્યારબાદ, ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત ‘રાષ્ટ્ર યજ્ઞ’માં વૈદિક મંત્રોચ્ચાર સાથે પર્યાવરણ અને રાષ્ટ્રના કલ્યાણ માટે આહુતિઓ આપવામાં આવી હતી. સાંજના સમયે આકર્ષણનું કેન્દ્ર 501 બાળિકાઓની ભવ્ય કળશયાત્રા રહી હતી. મુખ્ય સમારોહનો પ્રારંભ સાંજે 5:00 કલાકે ગણેશ વંદના અને દીપ પ્રાગટ્ય સાથે થયો હતો.

કાર્યક્રમમાં સાંસ્કૃતિક વિવિધતા અને સામાજિક જાગૃતિનો સમન્વય જોવા મળ્યો હતો. સ્થાનિક બાળકો દ્વારા કથક અને ‘ઓપરેશન સિંદૂર’ વિષય પર દેશભક્તિ નૃત્ય રજૂ કરાયા હતા. વિસ્તારની ડિઝાઇન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આધુનિક શૈલીમાં નૃત્ય-નાટિકા દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. પરિસરમાં ગૌમાતા આલિંગન, શંખનાદ પ્રશિક્ષણ, મફત પુસ્તક વિતરણ અને ‘પંચ પરિવર્તન’ પ્રદર્શની રાખવામાં આવી હતી.
આ પ્રસંગે વિસ્તારના સ્વચ્છતા કર્મચારીઓનું મંચ પર સન્માન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમની સૌથી પ્રેરણાદાયક ક્ષણ બની રહી હતી. મુખ્ય વક્તા તરીકે સુશ્રી મીનાક્ષી સહરાવત, કાયાવરોહણના સંત મુક્તાનંદજી અને સાધના પ્રકાશનના તંત્રી ભાનુભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ રાષ્ટ્રભાવના અને સાંસ્કૃતિક એકતા પર ભાર મૂકતું પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. અંતે, તમામ ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા સાથે આ ઐતિહાસિક સંમેલનનું સમાપન થયું હતું. સોસાયટીઓના અધ્યક્ષો અને સચિવોના સહકારથી યોજાયેલું આ સંમેલન સામાજિક જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.


