અમદાવાદ શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જે કારણે નશાખોરોનો આતંક શહેરમાં વધવાની ફરિયાદ પણ અમદાવાદીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આવામાં વધુ એક શખ્સે નશાની હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. આ કાર ચાલકે નશાની હાલતમાં બેફામ કાર ચલાવી ત્રણથી ચાર વાહનોને અડફેટે લીધા હતા. જે કારણે લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા.
ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદના ચાંદલોડિયામાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. આ કાર ચાલકે નશાની હાલતમાં બેફામ કાર ચલાવી હતી. આ દરમિયાન નશામાં ભાન ભૂલેલા કાર ચાલકે 3થી 4 વાહનને અડફેટે લીધા હતા. આ અકસ્માત વિશ્વકર્મા મંદિરથી શાલિગ્રામ ફ્લેટ રોડ પર સર્જાયો હતો. અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

આ અકસ્માત સર્જનાર આરોપી જયેશ પ્રજાપતિ નશાની હાલતમાં ઝડપાયો હતો. તેની નફટ્ટાઈ એટલી હદે વધી ગઈ કે તેણે સ્થાનિકોને કહ્યું કે, કાલે ફરીથી દારૂ પીને આવીશ, અને કાર ચલાવીશ. તમારે જે કરવું હોય તે કરી શકો છો, મને કોઈ પ્રોબ્લેમ નથી. પોલીસ કે કાયદાનો મને કોઈ ડર નથી.
સ્થાનિક લોકો દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલે બી ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


