અમદાવાદ શહેરના નોબલનગરથી ભદ્રેશ્વર રોડ પર એરપોર્ટની દિવાલ નજીક જાહેરમાં દારૂની પાર્ટી કરી રહેલા શખસોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ એરપોર્ટ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં બે શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર,નોબલનગરથી ભદ્રેશ્વર રોડ પર એરપોર્ટની દીવાલ નજીક ત્રણથી ચાર શખસોએ પોતાની કાર રસ્તા પર ઊભી રાખી હતી. અંધારાનો લાભ લઈને આ યુવકો કાર પાસે જ ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે આ નજારો જોઈને પોતાના મોબાઈલમાં શૂટિંગ શરૂ કર્યું હતું. જ્યારે જાગૃત નાગરિકે દારૂ પી રહેલા શખસોની પૂછપરછ કરી અને વીડિયો ઉતારવાનું શરૂ કર્યું, ત્યારે શખસોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે આ યુવકો પોતાના ચહેરા છુપાવીને હાથમાં દારૂના ગ્લાસ સાથે જ અંધારામાં ભાગી રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા હતા.

સોશિયલ મીડિયા પર પુરાવા મળતા જ એરપોર્ટ પોલીસ સ્ટેશનની ટીમ હરકતમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને વીડિયો ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી હતી. પોલીસે મહેફિલ માણતા બે યુવકોને ઝડપી પાડ્યા છે. વીડિયોમાં દેખાતા અન્ય ફરાર શખસોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા શખસો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


