E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : ફ્લાવર શોના ફૂલ-છોડ નેતા-અધિકારીઓનું આંગણું શોભાવશે? ઢાંકપિછોડો કરવા આયોજન

Ahmedabad : ફ્લાવર શોના ફૂલ-છોડ નેતા-અધિકારીઓનું આંગણું શોભાવશે? ઢાંકપિછોડો કરવા આયોજન

અમદાવાદમાં આ વખતે યોજાયેલો ફ્લાવર શો એક તબક્કે ફ્લોપ શો સાબિત થયો છે. ગત વર્ષની સરખામણીએ બે કરોડ રૂપિયા વધારે ખર્ચીને દિવસો લંબાવ્યા હોવા છતાં બે લાખ મુલાકાતી ઓછા આવ્યા છે. ત્યારે આ ફ્લોપ શો પર ઢાંકપીછોડો કરવા માટે હવે ફ્લાવર શોના ફૂલ-છોડ અધિકારીઓએ વેચવા કાઢ્યાં છે. તેનાથી પણ આગળ વિચારીને વેચાણના નિર્ણયને લોકોનો નબળો પ્રતિસાદ મળે તો આ ફૂલ-છોડ કાઉન્સિલરો અને અધિકારીઓના આંગણામાં રોપવાનું જડબેસલાક આયોજન કરી લેવાયું છે. પ્રજાના પૈસે ખરીદાયેલા આ ફૂલછોડથી હવે પદાધિકારીઓને ખુશ કરાશે.

મ્યુનિસિપલએ છોડવા વેચવા કાઢ્યાં 

અમદાવાદ શહેરમાં આ વખતેનો ફ્લાવર શો શરૂઆતથી જ વિવાદનું કેન્દ્ર રહ્યો હતો. 17 કરોડ રૂપિયાના ખર્ચે 29 દિવસ ચાલેલા આ શોમાં 48 પ્રજાતિના 10 લાખથી વધુ ફૂલ-છોડ રાખવામાં આવ્યા હોવાનો દાવો કરાયો હતો. ફ્લાવર શો નિહાળવા માત્ર 11 લાખ જેટલા લોકો જ આવ્યા હતા. ફ્લાવર શો પૂરો થયા બાદ હવે ફૂલ-છોડ મ્યુનિસિપલના બગીચાઓ અને ડિવાઈડરોમાં ગોઠવી દેવામાં આવ્યા છે.  ફ્લાવર શો ટીકાનું કેન્દ્ર બનતા હવે અધિકારીઓ દ્વારા ફૂલ-છોડ વેચીને થોડી-ઘણી આવક રળી પોતાની નિષ્ફળતા છૂપાવવાનું નક્કી કરાયું છે. શહેરની મ્યુનિસિપલ સંચાલિત જુદા જુદા વિસ્તારની ચાર નર્સરીઓ પરથી ફૂલ-છોડનું વેચાણ શરૂ કરાયું છે. જેના માટે 6 રૂપિયાથી માંડીને 235 રૂપિયા પ્રતિછોડ કિંમત નક્કી કરવામાં આવી છે. વધારે જથ્થામાં છોડ લઈ જનાર વ્યક્તિને ભાવ ઘટાડી આપવામાં આવશે. એક એવી પણ ચર્ચા વહેતી થઈ છે કે, જો આ વેચાણને નબળો પ્રતિસાદ મળે તો આગામી દિવસોમાં શહેરના 191 કાઉન્સિલરો તથા મ્યુનિસિપલના વર્ગ 1થી 3ના અધિકારીઓના ઘરે આંગણામાં આ ફૂલ-છોડ રોપી દેવામાં આવશે. અલબત, સામે આવતી હકીકત અનુસાર છોડવાના વેચાણ અને તેનાથી આગળના આયોજન વિશે ખુદ મ્યુનિસિપલના શાસકો પણ અજાણ છે.

આ સ્થળે ફ્લાવર શોના રોપા વેચાશે

•રસાલા નર્સરી, લો ગાર્ડન બીઆરટીએસ સ્ટેન્ડ સામે

•સૌરભ નર્સરી, મેમનગર ફાયર સ્ટેશન સામે

•વિશ્વકર્મા નર્સરી, વિશ્વકર્મા કોલેજ પાછળ, ચાંદખેડા

•સાયન્સ સિટી નર્સરી, કેનાલ રોડ, ગોતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments