અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પિતૃત્વના વિવાદને લઈને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક 32 વર્ષીય યુવકે તેના સાસરિયાઓ સામે માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પત્નીએ ‘બાળક તમારું નથી’ તેવી ટિપ્પણી કર્યા બાદ શરૂ થયેલો આ પારિવારિક વિવાદ હવે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
પોલીસ ફરિયાદ અનુસાર, કુબેરનગરના રહેવાસી 32 વર્ષીય મોહિત ખટનાએ ડિસેમ્બર 2024માં નાગપુરની ખુશી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ બંનેની મુલાકાત એક ઓનલાઈન મેટ્રિમોનિયલ પ્લેટફોર્મ દ્વારા થઈ હતી. લગ્ન બાદ પત્ની અમદાવાદ રહેવા આવી હતી. પત્ની ગર્ભવતી થતા ડિલિવરી માટે નાગપુર તેના પિયર ગઈ હતી. આ દરમિયાન 28મી જાન્યુઆરી 2026ના રોજ પુત્રીના જન્મ બાદ જ્યારે મોહિત નાગપુર ગયો, ત્યારે તેની પત્નીએ એવું કહીને ચોંકાવી દીધો હતો કે ‘આ બાળક તમારું નથી’. આ નિવેદન બાદ બંને પરિવારો વચ્ચે ભારે તણાવ સર્જાયો હતો.

મોહિત ખટનાએ પોતાની ફરિયાદમાં ગંભીર આરોપો લગાવતા જણાવ્યું છે કે, છઠ્ઠી ફેબ્રુઆરી 2026ના રોજ સાસુ લલિતા મોટઘરેએ ફોન પર અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે 19મી માર્ચના રોજ સસરા મોહન મોટઘરેએ ફોન કરીને ધમકી આપી હતી કે જો તે નાગપુર આવશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. પત્નીને પરત મોકલવાનો ઈનકાર કરીને સાસરિયાઓ સતત ફોન પર હેરાનગતિ કરી રહ્યા હોવાનો પણ દાવો કરાયો છે.
આ સમગ્ર મામલો આઠમી એપ્રિલના રોજ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે વિધિવત ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે પિતૃત્વના વિવાદ અને ધમકીના આરોપો અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને જરૂરી પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે.


