અમદાવાદના બાવળા સરખેજ રોડ પર ચાંગોદર બ્રિજ નજીક એક પેટ્રોલ પંપની સામે AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)નું આશરે 2500 લિટર જેટલું ડીઝલ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયું હતું. ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ બનાવ બન્યો હતો. ડીઝલ રોડ પર ઢળવાને કારણે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે તાબડતોડ ફાયર ટીમોને બોલાવી કેમિકલ ફોર્મવાળા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.
ડીઝલ ભરેલ ટેન્કર રોડ પર ગોથું મારી ગયાની જાણ ચાંગોદર પોલીસ સ્ટેશનના ટ્રાફિક ઇન્ચાર્જને થતા તાત્કાલિક તેઓ પોલીસ સ્ટાફ સાથે બનાવ વાળી જગ્યાએ પહોંચ્યા હતા. બનાવની ગંભીરતાને સમજી તાત્કાલિક ધોરણે ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો. બાદમાં ટેન્કરને બે ક્રેનની મદદથી સીધું કરાવી રસ્તા પરથી દૂર કર્યું હતું.
જે પછી રોડ પર ઢોળાયેલા ડીઝલના જથ્થાને સાફ કરવા માટે ફાયર વિભાગની ટીમો દ્વારા ફોર્મ કેમિકલનો છંટકાવ કરવામાં આવ્યો હતો. અને ડીઝલના કારણે અતિ ગંભીર બનાવ બને તે પહેલાં અટકાવ્યો હતો. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


