HomeGujaratAhmedabadAhmedabad : ભદ્રમાં પાથરણાં મુદ્દે AMCએ SCના દરવાજા ખટખટાવ્યા, સેવા સંસ્થાના સભ્યે...

Ahmedabad : ભદ્રમાં પાથરણાં મુદ્દે AMCએ SCના દરવાજા ખટખટાવ્યા, સેવા સંસ્થાના સભ્યે જણાવ્યું- ‘કોર્ટે કહ્યું છે કે હાલ તેમને ખસેડવા નહીં…’

અમદાવાદ શહેરના ભદ્રમાં પાથરણાવાળાના પક્ષમાં આપેલા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જેની સુનાવણીમાં હાજર સેવા સંસ્થાના સભ્યએ જણાવ્યું કે, હાઈકોર્ટના ચુકાદા ઉપર સ્ટે આપવાની જે વાતો ચાલે છે તે તદ્દન ખોટી છે. કોર્ટે એવું ક્યાંય નથી કીધું કે તેઓ હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપે છે. તેમણે તો માત્ર એટલું જ જણાવ્યું છે કે જે 177 લોકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેરીફાઈ કરીને ત્યાં બેસાડવામાં આવ્યા છે, તેમને ત્યાંથી અત્યારે ખસેડવા નહીં. આ સ્થિતિ એટલે કે આગામી છઠ્ઠી તારીખ સુધી જાળવી રાખવાની સૂચના આપવામાં આવી છે, એ સિવાય કોર્ટે બીજું કંઈ જ કહ્યું નથી.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘કોર્ટમાં એએમસીની દલીલ એવી જ હતી કે આ પાથરણાવાળા લોકોને કારણે ત્યાં નડતર થાય છે, પરંતુ AMC જે સુપ્રીમ કોર્ટના સપ્ટેમ્બર 2025ના રોડ સેફટીના ચુકાદાની વાતો કરે છે, તેવી કોઈ વાત કોર્ટમાં કરવામાં આવી નથી. એમણે ભલે પોતાની અરજીમાં ઘણું ટાંક્યું હોય, પણ કોર્ટમાં આવી કોઈ ચર્ચા થઈ નથી. હકીકતમાં અગાઉનો હુકમ 260 લોકોને બેસાડવા અને બાકીના લાયસન્સ વગરના 112 લોકોનું વેરિફિકેશન કરીને લાયસન્સ આપવા બાબતે હતો, જેના પર કોઈ સ્ટે આપવામાં આવ્યો નથી. કોર્ટે ફક્ત એ જ વાત સ્પષ્ટ કરી છે કે જેમને આઈડેન્ટીફાય કરવામાં આવ્યા છે તેમને હાલ પૂરતા ત્યાંથી ખસેડવા નહીં.’

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી. તેમણે અમદાવાદના સૌથી ગીચ અને ઐતિહાસિક રીતે સંવેદનશીલ એવા આ વિસ્તારમાં વેન્ડિંગની મંજૂરી આપવાથી જાહેર સુરક્ષા, ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થા પર પડનારી ગંભીર અસરો વિશે પ્રકાશ પાડ્યો હતો. જોકે, પરિસ્થિતિની ગંભીરતાને સ્વીકારીને સુપ્રીમ કોર્ટે ગ્રાઉન્ડ પર હાલની સ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો હતો.

આજથી એક દાયકા પહેલાં અમદાવાદના ભદ્ર વિસ્તારમાં વર્ષોથી ધંધો કરતા પથારાવાળા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) વચ્ચેના સંઘર્ષ શરૂ થયો હતો. વર્ષ 2014માં ભદ્ર પ્લાઝાના વિકાસ માટે કોર્પોરેશને ભદ્ર મંદિરની આસપાસ બેરિકેડ્સ લગાવીને રસ્તા ખોદવાનું શરૂ કર્યું, ત્યારે પેઢીઓથી ત્યાં વ્યવસાય કરતાં પાથરણાવાળાની રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો હતો. આ વિવાદમાં ‘સેવા’ (SEWA) અને ‘સેલો’ (SELO) જેવી સંસ્થાઓએ 60-70 વર્ષ જૂના પુરાવા અને 2014ના ફેરિયા અંગેના કાયદાના આધારે પાથરણાવાળાના હક માટે પીઆઇએલ દાખલ કરીને કાયદાકીય લડત શરૂ કરી હતી. થોડા દિવસ અગાઉ ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 586 પાથરણાવાળા કે જેમને પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા છે તેમને 21મી માર્ચ સુધીમાં ભદ્ર પરિસરમાં ફરીવાર પુનઃ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે જે પાથરણાવાળા કે જેમને પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યા છે તેનું વેરિફિકેશન એક સપ્તાહના સમયગાળા દરમિયાન કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments