અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો હવે પોલીસ પર પણ હાથ ઉઠાવતા અચકાતા નથી તેવી ગંભીર ઘટના મેમ્કો વિસ્તારમાં બની છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયેશ વસાવા પર જૂની અદાવતમાં જીતેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સે લાકડી વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો છે. આ મામલે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
ઘટનાની વિગતો મુજબ, 6 એપ્રિલના રોજ મેઘાણીનગરના મંગલ પાંડે હોલ પાસેના ગાર્ડનમાં અસામાજિક તત્વોના ત્રાસની ફરિયાદ મળતા કોન્સ્ટેબલ જયેશ વસાવા ત્યાં તપાસમાં ગયા હતા. ગાર્ડનમાં બેઠેલા જીતેન્દ્રસિંહ જાડેજાની પૂછપરછ કરતા તેણે પોલીસ સાથે દાદાગીરી કરી હતી. જોકે, તે સમયે માફી માંગીને છૂટેલા આરોપીના મનમાં પોલીસ પ્રત્યે નફરત અકબંધ હતી.

ગઈકાલે 7 એપ્રિલે રાત્રે જ્યારે કોન્સ્ટેબલ જયેશ વસાવા નોકરી પૂર્ણ કરી ઘરે જઈ રહ્યા હતા અને મેમ્કો પાસે જમવાનું પાર્સલ લેવા ઉભા રહ્યા, ત્યારે જ આરોપી જીતેન્દ્રસિંહ લાકડી લઈને ત્રાટક્યો હતો. “કાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો હતો, આજે તને પતાવી દેવો છે” તેમ કહી આરોપીએ જાતિવાચક શબ્દો બોલી કોન્સ્ટેબલને માથાના ભાગે લાકડીના ફટકા માર્યા હતા.
પોલીસ પર હુમલાની ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. શહેરકોટડા પોલીસે તુરંત કાર્યવાહી કરી આરોપી જીતેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ આઈપીસીની કલમ 307 (હત્યાની કોશિશ) અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. હાલ આ કેસની વધુ તપાસ એસસી-એસટી (SC/ST) સેલને સોંપવામાં આવી છે.


