E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : શાસ્ત્રીબ્રિજ પર ભારે વાહનો માટે 'નો એન્ટ્રી' વચ્ચે નિયમોના ઉડ્યા...

Ahmedabad : શાસ્ત્રીબ્રિજ પર ભારે વાહનો માટે ‘નો એન્ટ્રી’ વચ્ચે નિયમોના ઉડ્યા ધજાગરા, મેચના બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત

અમદાવાદના વિશાલા અને પીરાણાને જોડતો વ્યૂહાત્મક રીતે મહત્ત્વનો શાસ્ત્રીબ્રિજ આજે સોમવાર(9 ફેબ્રુઆરી)થી સમારકામ માટે આંશિક રીતે બંધ કરવામાં આવ્યો છે. જોકે, તંત્રના જાહેરનામાના અમલીકરણના પહેલા જ દિવસે ગંભીર બેદરકારી સામે આવી છે. બ્રિજ જર્જરિત હોવા છતાં અને ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં, પોલીસની ગેરહાજરીમાં ટ્રકો અને લક્ઝરી બસો બિન્દાસ્ત પસાર થતી જોવા મળી હતી.

શાસ્ત્રીબ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ ખરાબ થઈ જતાં તેની સુરક્ષા પર જોખમ ઊભું થયું છે. આથી તંત્ર દ્વારા આજથી આગામી 11 મહિના એટલે કે 8 જાન્યુઆરી 2027 સુધી બ્રિજ પર સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરક્ષાના કારણોસર આ સમયગાળા દરમિયાન બ્રિજ પરથી ભારે અને મધ્યમ કદના વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. માત્ર ટુ-વ્હીલર અને હળવા વાહનોને જ મંજૂરી આપવામાં આવી છે.

સમારકામના પ્રથમ દિવસે જ વિશાલાથી નારોલ તરફ જતા માર્ગ પર તંત્રની નિષ્ફળતા છતી થઈ હતી. વિશાલા તરફના પોઈન્ટ પર ટ્રાફિક પોલીસની હાજરી ન હોવાને કારણે ટ્રક, આઈસર અને ખાનગી બસો જેવા ભારે વાહનો કોઈ પણ રોકટોક વગર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. નારોલથી વિશાલા તરફ આવતા ટ્રાફિકને રોકવાની કામગીરી અમલમાં હતી, પરંતુ વિશાલાથી જતો ટ્રાફિક સંપૂર્ણપણે રામભરોસે જોવા મળ્યો હતો.

બ્રિજ પર પોલીસની ગેરહાજરી અંગે સ્થાનિકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, આજે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ હોવાથી મોટાભાગનો ટ્રાફિક પોલીસ સ્ટાફ (M ડિવિઝન) મેચના બંદોબસ્તમાં વ્યસ્ત છે. પોલીસ જવાનો પોઈન્ટ પર હાજર ન હોવાથી વાહનચાલકોએ જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હતો. જર્જરિત બ્રિજ પરથી પસાર થતા આ ભારે વાહનો કોઈ મોટી હોનારતને નોતરી શકે છે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે.

બ્રિજની હાલત એટલી ખરાબ છે કે તેના પેડેસ્ટલ બદલવા માટે ભારે વાહનોને રોકવા અનિવાર્ય છે. જો સમારકામ દરમિયાન પણ ભારે વાહનોની અવરજવર ચાલુ રહેશે, તો કામગીરીમાં અડચણ આવવાની સાથે કામદારો અને અન્ય વાહનચાલકોના જીવ પર જોખમ ઊભું થઈ શકે છે. આગામી 11 મહિના સુધી જો આ જ સ્થિતિ રહી, તો ટ્રાફિકની સમસ્યા વધુ વકરી શકે છે. હવે જોવાનું એ રહે છે કે આવતીકાલથી પોલીસ આ પોઈન્ટ પર કડક અમલીકરણ કરાવશે કે કેમ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments