આગની ઘટનાને પગલે લોકો જીવ બચાવવા માટે બિલ્ડિંગના ધાબા પર ચડી ગયા. ઘટનાસ્થળે તરત જ નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, પ્રહલાદનગર અને મણિનગર ફાયર સ્ટેશનની ટીમોને મોકલવામાં આવી.
અમદાવાદના શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં ચોથા માળે અચાનક આગ લાગી જતા હાહાકાર મચી ગયો છે. આગ લાગ્યાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો. પ્રાથમિક માહિતી મુજબ આગ બાદ સમગ્ર બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો, જેના કારણે ઉપરના માળે રહેલા લોકો ફસાઈ ગયા હતા. ખાસ કરીને 8મા અને 9મા માળે કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે.

આગની ઘટનાને પગલે લોકો જીવ બચાવવા માટે બિલ્ડિંગના ધાબા પર ચડી ગયા. ઘટનાસ્થળે તરત જ નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, પ્રહલાદનગર અને મણિનગર ફાયર સ્ટેશનની ટીમોને મોકલવામાં આવી. કુલ 3 ગજરાજ, 2 મીની ફાયર ફાઈટર અને 25થી વધુ ફાયર કર્મચારીઓ દ્વારા વિશાળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું.
ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતાં પ્રથમ તબક્કામાં 5 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. ત્યારબાદ સતત ચાલી રહેલી કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 20થી વધુ લોકોને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. હજુ પણ કેટલાક લોકો ઉપરના માળે ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેમને બહાર કાઢવા માટે સઘન પ્રયત્નો ચાલુ છે. ફાયર અધિકારીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવા તેમજ બિલ્ડિંગમાં ફેલાયેલા ધુમાડાને નિયંત્રિત કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


