આજના ડિજિટલ યુગમાં વોટ્સએપ સંવાદનું મુખ્ય માધ્યમ છે, પરંતુ હેકર્સ હવે તમારી અંગત વિગતો ચોરવા માટે ‘ઘોસ્ટ પેયરિંગ’ (Ghost Pairing) નામની નવી અને ખતરનાક પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે. વોટ્સએપના ‘ડિવાઈસ લિંકિંગ’ ફીચરની ખામીનો લાભ લઈ હેકર્સ યુઝરની જાણ બહાર તેમનું એકાઉન્ટ પોતાના બ્રાઉઝર કે અન્ય ડિવાઈસ સાથે જોડી રહ્યા છે.
શું છે આ ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ?આ છેતરપિંડીમાં હેકર્સ કોઈ પરિચિતના નામે લિંક મોકલે છે. લિંક પર ક્લિક કરતા જ યુઝરને એક નકલી વેબસાઈટ પર લઈ જવામાં આવે છે, જ્યાં ફોટો જોવા કે ઓફર મેળવવાના નામે મોબાઈલ નંબર ‘વેરિફાય’ કરવાનું કહેવામાં આવે છે. જેવો યુઝર નંબર નાખે છે, હેકર લિંકિંગ પ્રોસેસ શરૂ કરે છે. યુઝરના ફોન પર આવતો ૮-અંકનો કોડ જો હેકરને મળી જાય અથવા યુઝર જાતે તે વેબસાઈટ પર દાખલ કરે, તો તેનું વોટ્સએપ એકાઉન્ટ હેકરના કબજામાં જતું રહે છે.

સરકારની એડવાઈઝરી (CIAD-2025-0055)
ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય હેઠળની CERT-In એ ૧૯ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ આ સ્કેમ અંગે ‘હાઈ’ લેવલની એડવાઈઝરી જારી કરી છે. આ સ્કેમમાં વ્યક્તિગત મેસેજ, ફોટા અને વીડિયો ચોરાવાનું તેમજ મિત્રો પાસે પૈસા માંગવાનું કે બ્લેકમેઈલિંગ કરવાનું મોટું જોખમ રહેલું છે.
સાયબર એક્સપર્ટની સલાહ: આ રીતે રહો સુરક્ષિત
સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર જણાવે છે કે આ સ્કેમથી બચવા નીચેના સુરક્ષા પગલાં લેવા અનિવાર્ય છે:
Linked Devices ચેક કરો
વોટ્સએપ સેટિંગ્સમાં જઈને ‘Linked Devices’ તપાસો, અજાણ્યા ડિવાઈસ દેખાય તો તરત ‘Log Out’ કરો.
Two-Step Verification ઓન કરો
સેટિંગ્સમાં જઈને ૬-અંકનો પિન (PIN) અને ઈમેઈલ આઈડી સેટ કરો.
બાયોમેટ્રિક લોક: નવું ડિવાઈસ લિંક કરવા માટે ફિંગરપ્રિન્ટ કે ફેસ આઈડીની પરવાનગી ફરજિયાત રાખો.
અજાણ્યા કોડથી બચો
જો તમે કોઈ ડિવાઈસ લિંક ન કરી રહ્યા હોવ અને અચાનક ૮-અંકનો કોડ આવે, તો તેને કોઈની પણ સાથે શેર ન કરો.
ફરિયાદ ક્યાં કરવી?
જો તમારું એકાઉન્ટ હેક થઈ જાય, તો તુરંત support@whatsapp.com પર ઈમેઈલ કરો અને રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવો.


