અમદાવાદમાં 615માં સ્થાપના દિવસની ઉજવણીની તૈયારી થઈ રહી છે. ત્યારે શહેરમાં એવા બજાર વિશે જાણીએ જે હંમેશા ધમધમતા રહે છે. અમદાવાદમાં આ બજારમાં સસ્તા, મોઘા અને ફેશનબેલ વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ છે. અમદાવાદના કોટ વિસ્તાર એટલે જૂના શહેરમાં એવા બજાર છે જયાં તમને તમામ પ્રકારની વસ્તુઓ મળી રહેશે. શહેરમાં પોળની આસપાસના બજારો પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. ભલે તે રમકડા બજાર હોય કે પછી લાઈટ બજાર. આ બજાર આજે પણ લોકોની ચહલપહલથી ધમધમતા છે. આખું શહેર ખૂંદીવળો છતાંય અંહીયા મળે તેવી વસ્તુ તમને ભાગ્યે જ કયાંય જોવા મળશે. જાણો આ બજારની વિશેષતા.
રમકડા બજાર અને વિશેષતા :
અમદાવાદનું સૌથી જૂનું અને જાણીતું રમકડા બજાર તીન દરવાજા અને ખાડિયા વિસ્તારની વચ્ચે આવેલું છે. આ બજારમાં હંમેશા તમને ભીડ જોવા મળશે. આ બજાર મુખ્યત્વે તીન દરવાજાથી આગળ વધતા પાનકોર નાકા અને ટંકશાળ રોડની પાસે છે. તેને ‘રામકડા માર્કેટ’ તરીકે જ ઓળખવામાં આવે છે.
વિશેષતા : આ બજારમાં લાકડાના પરંપરાગત રમકડાં (જેમ કે ઈડરના રમકડાં), પાંચિયા, ઘોડિયા, અને બાળકો માટેના આધુનિક પ્લાસ્ટિક તેમજ ઈલેક્ટ્રોનિક રમકડાં હોલસેલ અને રીટેલ ભાવે મળે છે. અહીંની ‘રામકડા પોળ’ તેના લાકડાના હસ્તકલાના નમૂનાઓ અને દાંડિયા માટે પણ ખૂબ પ્રખ્યાત છે. નવરાત્રી દરમિયાન અહીં દાંડિયાની મોટી બજાર ભરાય છે.

લાઈટ બજાર અને વિશેષતા
અમદાવાદનું સૌથી મોટું લાઈટ અને ઈલેક્ટ્રિકલ વસ્તુઓનું બજાર ગાંધી રોડ અને રિલીફ રોડ પર આવેલું છે. લાલ દરવાજાથી ગાંધી રોડ તરફ જતાં અને પાનકોર નાકા પાસે આખું ઈલેક્ટ્રિક બજાર આવેલું છે. અહીંની સાંકડી ગલીઓમાં અને પોળોના નાકે અનેક શોરૂમ્સ અને દુકાનો છે.
વિશેષતા : અહીં દરેક પ્રકારની ફેન્સી લાઈટ્સ, ઝુમ્મર, દિવાળી કે લગ્નપ્રસંગે વપરાતી ડેકોરેટિવ સીરીઝ, LED પેનલ્સ અને ઘરવખરીની ઈલેક્ટ્રિક વસ્તુઓ મળે છે.દિવાળીના સમયે આખું બજાર રોશનીથી ઝળહળી ઉઠે છે. અહીં હોલસેલ ભાવે લાઈટિંગ મળતું હોવાથી આખા ગુજરાતમાંથી લોકો અહીં ખરીદી કરવા આવે છે.
બજારમાં મુલાકાત લેવા માટે ઉપયોગી ટિપ્સ:
રમકડા બજાર અને લાઈટ બજાર એવા વિસ્તારમાં છે જયાં રસ્તા ખૂબ જ સાંકડા હોવાથી અહીં ટ્રાફિકની સમસ્યા રહે છે. જો તમે ત્યાં જવા માગતા હોવ તો કારને બદલે ટુ-વ્હીલર અથવા રિક્ષામાં જવું વધુ અનુકૂળ રહેશે. સામાન્ય રીતે આ બજારો સવારે 11.00 વાગ્યા થી રાત્રે 8:૦૦ થી 9:૦૦ વાગ્યા સુધી ધમધમતા હોય છે. જો કે અમુક હોલસેલ દુકાનો રવિવારે બંધ હોય છે. ઘરમાં પ્રસંગ હોય કે પછી શુભકાર્ય માટે લોકો આ બજારમાંથી જરૂર ખરીદી કરતા હોય છે.


