ITની સાથે GST પણ પાન નંબરના આધારે નોટિસ આપશે અને અત્યાર સુધી IT અને GST જુદા-જુદા ડેટા પર કામ કરતા હતા અને હવે પાનકાર્ડ આધારિત ડેટા શેરિંગ મજબૂત કરાયું છે.પાનકાર્ડ અને આધારકાર્ડના ડેટાના આધારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ડેટા વેરિફિકેશનની કામગીરી કરાતી હોય છે. જેના આધારે નોટિસ ફટકારાતી હોય છે. જોકે હવે જીએસટીમાં પણ પાનકાર્ડના આધારે ડેટા વેરિફિકેશન કરી નોટિસ ફટકારાશે.
હવે પાનકાર્ડ આધારિત ડેટા શેરિંગ મજબૂત કરાયું છે. પ્રોપર્ટી ખરીદી હોય અથવા વિદેશમાં નાણાં મોકલ્યા હોય અને તેના પર ટીડીએસ કાપવામાં આવ્યો હોય, તો તેની વિગતો સીધી જીએસટી પોર્ટલ સાથે લિંક થશે. તેના થકી કરદાતા દ્વારા ભરવામાં આવેલા જીએસટી રિટર્નમાં વિસંગતતા હોવાનું ધ્યાને આવશે તો કરદાતાને તાત્કાલિક નોટિસ ફટકારાશે. જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા વધુમાં વધુ ટેક્સની વસૂલાત કરી શકાય તે દિશામાં કામગીરી શરૂ કરાઈ છે.

નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ શરૂ થવાની સાથે મોટાભાગની કાર્યવાહી ટેકનોલોજી આધારિત કરવામાં આવનાર છે. તેના કારણે કરદાતા દ્વારા એક પણ નાની સરખી પણ ભૂલ કરી તો તેને સિસ્ટમ દ્વારા પકડી પાડીને નોટિસ આપી દેવામાં આવશે. તેમાં અધિકારી દ્વારા સ્કૂટિની પણ કરવાની જરૂરિયાત નહીં હોય. આ કારણોસર વધુમાં વધુ ટેક્સ વસૂલાત કરવાની કામગીરી ટેકનોલોજીના માધ્યમથી જ પાર પાડી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે.


