સાવરકુંડલાના ઓળીયા-ચરખડિયા વચ્ચે મહુવા-જામનગર એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. ઓવરટેક કરવા જતાં 4 પેસેન્જરો ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે.અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ઓળીયા અને ચરખડિયા ગામ વચ્ચે એક માર્ગ અકસ્માતની ઘટના બની છે. મહુવા થી જામનગર જતી એસટી બસ અને એક ઓટો રીક્ષા વચ્ચે થયેલા આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ચાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
ઘટનાની મળતી મહિતી અનુસાર, મહુવા-જામનગર રૂટની એસ.ટી. બસ જઈ રહી હતી ત્યારે પાછળથી આવતી ઓટો રીક્ષાએ બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં રીક્ષા ચાલકે કાબૂ ગુમાવતા રીક્ષા બસ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે રીક્ષામાં બેઠેલા ચાર પેસેન્જરોને ઈજાઓ પહોંચી હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત ચારેય પેસેન્જરોને સારવાર અર્થે સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે રોડ પર થોડીવાર માટે વાહનોની લાંબી કતારો લાગી હતી અને ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સાવરકુંડલા પોલીસ કાફલો પણ તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


