આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નાવખલ ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નવખાલ-કિંખલોડ માર્ગ પર આવેલા એક ફાર્મમાં ચીકુ તોડવા ગયેલી 11 વર્ષીય બાળકીને ખેતરની ફરતે લગાવેલા ઝટકા મશીનનો જોરદાર વીજ કરંટ લાગતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.
મળતી વિગતો અનુસાર, નાવખલ ફાર્મમાં ચીકુની વાડી આવેલી છે. અહીં 11 વર્ષની બાળકી ચીકુ તોડવા માટે ગઈ હતી. વાડીની સુરક્ષા માટે ફરતે ઝટકા મશીનના તાર લગાવવામાં આવ્યા હતા. ચીકુ તોડતી વખતે અજાણતા જ બાળકી આ તારના સંપર્કમાં આવી ગઈ હતી. તારમાં વહેતા વીજ પ્રવાહને કારણે બાળકીને જોરદાર ઝટકો લાગ્યો હતો અને તે ત્યાં જ ફસડાઈ પડી હતી.

બાળકીના મોતના સમાચાર મળતા જ પરિવાર અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિજનોએ આક્ષેપ કર્યો છે કે, સામાન્ય રીતે ઝટકા મશીનમાં હળવો ઝટકો લાગે તેવો કરંટ હોય છે, પરંતુ આ કિસ્સામાં મશીનમાં ડાયરેક્ટ વીજ કરંટ આપવામાં આવ્યો હતો. આ બેદરકારીને કારણે જ બાળકીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.
ઘટનાની જાણ થતા જ આંકલાવ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બાળકીના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે આંકલાવ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી, ખરેખર મશીનમાં ડાયરેક્ટ કરંટ હતો કે કેમ તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.


